નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટમાં 15 થી 18 જૂન વચ્ચે મોટા ફેરફાર થવાની સંભાવના છે. એવા સંકેત મળી રહ્યા છે કે વિધાનસભાની મહત્વની ચૂંટણીઓ પહેલાં ભાજપ નેતૃત્વ રાજકીય અને સંગઠન પુનઃગઠનની કવાયત કરી લેવા માંગે છે. આમ થતાં અનેક રાજ્ય કક્ષાના પ્રધાન અને કેબિનેટ પ્રધાન પદ પરથી દૂર થઈ શકે છે કે પછી તેમના વિભાગ બદલાઈ શકે છે. કેબિનેટના એક વરિષ્ઠ પ્રધાનને દક્ષિણના રાજ્યોમાં ભાજપનું નેતૃત્વ સોંપાઈ શકે છે. નેતૃત્વ કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર થતાં એનડીએ સહયોગી પક્ષોનું પ્રતિનિધીત્વ મજબૂત થવાની પણ આશા સેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જનતા દળ (યુ), તેલુગુ દેશમ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાટી અને રાષ્ટ્રીય લોક મોરચા જેવા પક્ષોને વધારા પ્રધાનપદ મળી શકે છે.
જોકે સહયોગી પક્ષોને મહદ અંશે રાજ્ય કક્ષાનું પ્રધાન પદ મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી કેબિનેટમાં ફેરફાર કરતી વખતે પ્રાદેશિક સંતુલન, જાતિગત પ્રતિનિધિત્વ અને ચૂંટણી વ્યૂહ પર ધ્યાન આપી રહી છે.
ભાજપની અંદર સંગઠનમાં થઈ રહેલા ફેરફાર વચ્ચે હવે કેબિનેટમાં ફેરફારના પણ સંકેત મળી રહ્યા છે. કેન્દ્રીય રાજ્ય નાણા પ્રધાન પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષપદે વરણી થઈ છે. તે જ રીતે હર્ષ મલહોત્રાને દિલ્હી ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ફેરફારોને પગલે 10 થી 12 મંત્રાલયોમાં ફેરફાર સંભવ છે. રેલવે, નાણા, કોર્પોરેટ બાબત, કોલસા, વસ્ત્ર, માહિતી અને પ્રસારણ સહિતના વિભાગોની કામગીરીની સમીક્ષા થઇ રહી છે. કેટલાક પ્રધાનો કેટલાક મંત્રાલયોનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે.


