પટણાઃ બિહારના પટણામાં આવેલા ગાંધી મેદાનમાં આયોજિત પ્રકાશ પર્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં મુખ્યપ્રધાન નીતિશકુમારના દારૂબંધીના નિર્ણયને વખાણ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, નીતિશકુમારે અને યુવાનોની પેઢીઓ બચાવવાનું કામ કર્યું છે. બીજા રાજ્યોએ પણ બિહારમાંથી પ્રેરણા લેવી જોઈએ. વડા પ્રધાન મોદી અહીં ગુરુ ગોવિંદ સિંહના ૩૫૦મા પ્રકાશ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. અહીંના ગુરુદ્વારામાં મોદીએ માથું ટેકવ્યું હતું અને પછી એરપોર્ટ થઈને ગાંધી મેદાન પહોંચ્યા હતા. અહીં મોદીએ પંજાબીમાં તમામનું સ્વાગત કર્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, ફક્ત ભારત જ નહીં, આખું વિશ્વ એ વાતનો અહેસાસ કરી ચૂક્યું છે કે, ગુરુગોવિંદ સિંહજીએ માનવતાની પ્રેરણા આપી હતી. આ સમારંભ થકી વિશ્વને પણ ખબર પડી છે કે, તેમણે કેટલું મોટું કામ કર્યું હતું. ગુરુગોવિંદ સિંહજી વીરતા જ નહીં, ધીરતાના પણ પ્રતીક સમાન હતા. તેમણે સમાજને ધીરજથી એકસૂત્રતાથી બાંધ્યો હતો. આ સમારંભ માટે મોદીએ નીતિશકુમારને જશ આપતા કહ્યું હતું કે, નીતિશજીએ ગાંધીમેદાનમાં આવીને તમામ બાબતનો વ્યક્તિગત ખ્યાલ રાખીને આટલા ભવ્ય સમારંભનું આયોજન કર્યું એ માટે હું તેમને અભિનંદન આપું છું. બિહારના મુખ્ય પ્રધાને દારૂબંધીનો નિર્ણય લીધો છે, જે સાચો સાબિત થશે એવો મને વિશ્વાસ છે.