મોદી પર રાષ્ટ્રધ્વજનાં અપમાનના આરોપમાં કોર્ટે ફરિયાદી પાસે પુરાવા માગ્યા

Friday 08th April 2016 05:15 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર લાગેલા તિરંગાનાં અપમાનના આરોપને દિલ્હીની કોર્ટે ધ્યાન પર લીધો છે. મોદી પર આરોપ છે કે, ગત વર્ષે આંતરરાષ્ટ્રીય યોગદિવસ અને અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમણે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયાએ જણાવ્યું હતું કે, હું આ ફરિયાદને ગંભીરતાથી લઉં છું. આ સાથે જ તેમણે ફરિયાદકર્તાને પીએમ મોદી વિરુદ્ધ પુરાવા રજૂ કરવા અને પોતાનું નિવેદન નોંધાવવા જણાવ્યું હતું.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, આ મામલે આગામી સુનાવણી ૯ મેના રોજ થશે. પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવનારા આશિષ વર્માએ કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે, તેઓ પોલીસને પીએમ મોદી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપે. આશિષે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીએ ગત વર્ષે ઇન્ડિયા ગેટ પર આયોજિત યોગદિવસ પર રાષ્ટ્રીય ધ્વજનો રૂમાલ તરીકે ઉપયોગ કર્યો હતો, જે સ્પષ્ટપણે રાષ્ટ્રધ્વજનું અપમાન છે. ફરિયાદકર્તાએ એમ જણાવ્યું હતું કે, બરાક ઓબામાને પણ રાષ્ટ્રધ્વજ આપતી વખતે તેમણે બેદરકારી દાખવી હતી, જ્યારે તેમણે તેના પર હસ્તાક્ષર કર્યા હતા, તે રાષ્ટ્રધ્વજના કોડ ૨૦૦૨ની વિરુદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter