નવી દિલ્હીઃ વિશ્વભરમાં બુદ્ધિજીવી વર્ગ સામાન્ય રીતે લોકપ્રિય નેતા પસંદ કરતો નથી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં અપવાદ છે. જાણીતા મેગેઝીન ‘ધ ઈકોનોમિસ્ટ’ના જણાવ્યા અનુસાર શિક્ષિત મતદાતાઓમાં પણ મોદી તરફનો ઝુકાવ વધી રહ્યો છે. ‘ધ ઈકોનોમિસ્ટ’માં ‘વ્હાય ઇન્ડિયાઝ એલિટ્સ બેક નરેન્દ્ર મોદી’ શિર્ષક ધરાવતા લેખમાં જણાવ્યા અનુસાર ‘ઉત્કૃષ્ટ રાજકારણ, અર્થશાસ્ત્ર અને મજબૂત શાસક તરીકેની છબી એમ ત્રણ પરિબળો બુદ્ધિજીવી વર્ગમાં મોદીની લોકપ્રિયતા માટે જવાબદાર છે.’ સેન્ટર ફોર પોલિસી રિસર્ચના પોલિટિકલ સાયન્ટીસ્ટ નીલાંજન સરકારે જણાવ્યું હતું કે, ‘અન્ય લોકપ્રિય નેતાઓની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીચલા વર્ગના મતદારોમાં પણ મોટા પાયે પ્રભુત્વ જમાવ્યું છે.’ લેખમાં અન્ય આર્થિક પરિબળો ઉપરાંત, મજબૂત જીડીપી વૃદ્ધિ અને ઉચ્ચ મધ્યમ વર્ગની સંપત્તિમાં ઝડપી વૃદ્ધિને શિક્ષિત વર્ગમાં મોદીની લોકપ્રિયતાના મુખ્ય પરિબળો ગણાવાયા છે.


