રામલ્લાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઈનની ઐતિહાસિક મુલાકાત લઈને પ્રમુખ મોહમ્મદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પેલેસ્ટાઇનના પ્રમુખ અબ્બાસે ઇઝરાયેલ સાથેના સંબંધ સુધારવા ભારત મહત્ત્વની ભૂમિકા ભજવે એવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. આ મુલાકાત અનેક રીતે મહત્ત્વની ગણી શકાય. આ મુલાકાત સાથે જ મોદી પેલેસ્ટાઇનની મુલાકાત લેનારા સૌથી પહેલા ભારતીય વડા પ્રધાન બન્યા છે.
વડા પ્રધાન મોદી જોર્ડનથી પેલેસ્ટાઇન જવા નીકળ્યા ત્યારે બે દુશ્મન દેશો થોડી વાર દુશ્મની ભૂલી ગયા હતા. વાત એમ હતી કે, વડા પ્રધાન મોદી નિશ્ચિત સમયે પેલેસ્ટાઇન પહોંચી શકે એ માટે જોર્ડન સરકારે ખાસ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. આ અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં વડા પ્રધાન મોદીના હેલિકોપ્ટરને ઇઝરાયલ એરફોર્સે સુરક્ષા કવચ આપ્યું હતું. મોદી પેલેસ્ટાઇન સલામત પહોંચી ગયા ત્યાં સુધી ઇઝરાયલના એરક્રાફ્ટે જોર્ડનના હેલિકોપ્ટરને એસ્કોર્ટ કર્યું હતું, અને પેલેસ્ટાઇને પણ એ મુદ્દે કોઇ વાંધો લીધો ન હતો.
આ પ્રસંગે બંને દેશે પાંચ કરોડ ડોલરના છ કરાર કર્યા હતા, જેમાં પેલેસ્ટાઇનના બૈત સહુરમાં ત્રણ કરોડ ડોલરના ખર્ચે બનનારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ૫૦ લાખ ડોલરના ત્રણ કરાર શિક્ષણ ક્ષેત્રે, પેલેસ્ટાઇન પ્રિન્ટિંગ પ્રેસ માટે ઇક્વિપમેન્ટ અને મશીનરી ખરીદવાનો એક કરાર તેમજ મહિલા સશક્તિકરણ માટે એક કેન્દ્ર ઊભું કરવાનો પણ કરાર કરાયો છે.
બંને દેશના વડાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, અમને આશા છે કે પેલેસ્ટાઇન ટૂંક જ સમયમાં શાંતિપૂર્ણ દેશ બની જશે. હું પ્રમુખ અબ્બાસને ખાતરી આપું છું કે, ભારત હંમેશા પેલેસ્ટાઇનના લોકોની કાળજી રાખશે. પેલેસ્ટાઇનમાં શાંતિ અને સંતુલન જળવાઇ રહે એ માટે અમે શક્ય એટલી વધુ વાટાઘાટો પર ભાર મૂકીએ છીએ. ભારતની વિદેશ નીતિમાં પેલેસ્ટાઇનની ભૂમિકા ચાવીરૂપ હોય છે. ભારત અને પેલેસ્ટાઇનના સંબંધ દરેક પ્રકારની કટોકટીની સ્થિતિમાં ખરા ઉતર્યા છે.
પ્રમુખ મોહમ્મદ અબ્બાસે કહ્યું હતું કે, વૈશ્વિક શક્તિ તરીકે ભારતમાં અમે વિશ્વાસ કરીએ છીએ. ભારતની પેલેસ્ટાઇન અને ઇઝરાયલ નીતિની પણ અમે સરાહના કરીએ છીએ.