મોદી-શાહની મિટીંગઃ એનડીએ નેતાઓ સાથે વ્યૂહ ઘડાયો

Wednesday 22nd May 2019 06:04 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના અનુમાન બાદ એનડીએમાં જશ્નનો માહોલ છે. મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સહયોગી પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી હતી. બાદમાં તમામ સાથી પક્ષોના નેતાઓ માટે દિલ્હીની અશોકા હોટેલમાં ડિનર યોજાયું હતું. ખરેખર તો અમિત શાહે આ બેઠક સહયોગીઓ સાથે ગઠબંધન અંગે રણનીતિ ઘડવા યોજી હતી.
વડા પ્રધાન મોદીએ એનડીએના સહયોગી પક્ષો સાથે બેઠક કરી હતી. બેઠકમાં એનડીએના તમામ પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓ ખુશખુશાલ જણાતાં હતા, જાણે કે તેમને અનુમાન હતું કે એક્ઝિટ પોલના તારણની જેમ જ એનડીએ ફરીથી સત્તા પર આવશે તે નક્કી છે. બેઠકમાં સામેલ થવા આવેલાં વડા પ્રધાન મોદીનું શાનદાર સ્વાગત કરાયું હતું. તમામ એક્ઝિટ પોલમાં ‘આવશે તો મોદી જ’ તેવું અનુમાન કરવામાં આવ્યું છે. એક્ઝિટ પોલના આ સંકેત બાદ મોદી, અમિત શાહ સહિત એનડીએના તમામ પક્ષોને જીતનો આત્મવિશ્વાસ આવી ગયો છે. ભાજપ મુખ્યાલયમાં પ્રવેશ કર્યા બાદ અમિત શાહે મોદીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જે બાદ એનડીએના તમામ પક્ષોએ બૂકે આપીને વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.
ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી, રામ વિલાસ પાસવાન, હરસિમરત કૌર, રામદાસ આઠવલે, અનુપ્રિયા પટેલ સહિતના નેતાઓએ વડા પ્રધાન મોદીને શાલ ઓઢાડીને બૂકે ભેટ કર્યું હતું. જે બાદ મોદીને ફૂલોનો મોટો હાર પહેરાવ્યો હતો.
બેઠક બાદ અશોકા હોટેલમાં ડિનર યોજાયું હતું. જેમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે વગેરે હાજર રહ્યા હતા. મોદી અને શાહ તરફથી એનડીએના નેતાઓ માટે યોજાયેલી આ ડિનર પાર્ટીમાં ૩૫ જાતનાં લિજ્જતદાર વ્યંજન પીરસાયા હોવાના અહેવાલ છે. ડિનરમાં જુદા-જુદા રાજ્યોના એનડીએના નેતાઓએ હાજરી આપી હોવાથી સ્વાભાવિક જ જે તે રાજ્યોના વ્યંજનોને મેનુમાં વિશેષ સ્થાન અપાયું હતું.

વિજયની આશા છતાં પ્લાન-બી કેમ?

લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપ સરકારને પૂર્ણ બહુમત મળશે તેવો દાવો કરાયો છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપ જ જીતશે તેવું અનુમાન કરાયું છે. પોતાની જીતને લઈ ઉત્સાહિત થવાની સાથે ભાજપ એક નવી જ રણનીતિ બનાવવામાં લાગી છે. સુત્રોના જણાવ્યા મુજબ, જો પરિણામ થોડાં અલગ આવે તો આગળ શું થઈ શકે તેનાં માટે ભાજપે પ્લાન-બીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, બીજેપી પ્લાન-બી એટલાં માટે તૈયારી કરી રહી છે, કેમ કે ૩૦૦ પારનો આંકડો બે મહત્વપુર્ણ રાજ્યોને કારણે આવશે. એક ઉત્તર પ્રદેશની ૮૦ અને બીજી પશ્ચિમ બંગાળની ૪૨ બેઠક. બંને રાજ્યોની બેઠકો મળીને આંકડો ૧૨૨ થાય છે. જો એક્ઝિટ પોલ અનુસાર ભાજપને સીટો મળે છે તો આંકડો ૩૦૦ને પાર થઈ જશે. પણ ભાજપ કોઈ પણ રિસ્ક લેવા નથી માગી રહી. ભાજપે કપરી પરિસ્થિતિ સામે વિરોધી પક્ષોના સમર્થનનાં પ્રયાસો પણ કરી રહી છે.
પ્લાન-બી હેઠળ ભાજપ પોતાના સાથી પક્ષો સાથે વાત કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી તેલંગણ અને આંધ્ર પ્રદેશમાં ગઠબંધનની સંભાવનાઓ શોધી રહી છે. તેલુગુ રાજ્ય તેલંગણ અને આંધ્ર પ્રદેશમાં બે એવા પક્ષો છે, કે જે ફેડરલ ફ્રન્ટમાં હજુ સુધી જોડાયા નથી. આ બંને પક્ષોમાં ટીઆરએસના ચંદ્રશેખર રાવ અને વાઈએસઆર કોંગ્રેસના જગનમોહન રેડ્ડી છે, કે જેમણે હજુ સુધી તેમની પોઝિશન સ્પષ્ટ કરી નથી. આ બંને પાર્ટીઓ જે ગઠબંધન તરફ જશે તેમને ચોક્કસથી ફાયદો થવાના અણસાર છે.
ભાજપનો પ્લાન-બી છે કે જો ૩૦૦નો આંકડો પાર નથી થતો, જેમ કે અમુક પોલ્સમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભાજપને નુકસાન બતાવ્યું છે, તો તે સમયે અન્ય પક્ષોની જરૂર પડશે. અને તેના માટે પણ ભાજપે વાટાઘાટોની તૈયારીઓ શરૂ કરી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter