નવી દિલ્હી: આ વર્ષે થનારી બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ કેન્દ્રીય કેબિનેટે એક મોટો નિર્ણય લેતાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી કવાયતના ભાગરૂપે પારદર્શી રીતે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગયા બુધવારે તેમના સત્તાવાર નિવાસસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 1931 બાદ રાષ્ટ્રીય સ્તરે આ પહેલી જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી હશે. જોકે રાજ્યકક્ષાએ કાસ્ટ સરવે થતા રહ્યા છે. જોકે વસ્તીગણતરી કવાયતની ટાઈમલાઈન હજુ સ્પષ્ટ નથી. એપ્રિલ, 2020માં વસ્તીગણતરી થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે મુલતવી રખાઈ હતી.
સામાજિક સૌહાર્દ જાળવવા પ્રયાસ: વૈષ્ણવ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સામાજિક સૌહાર્દ જાળવવા અને બંધારણીય સિદ્ધાંતો અનુસાર સઘન અર્થપૂર્ણ કવાયત હાથ ધરવા સરકારે આગામી વસ્તી ગણતરીમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને પણ આવરી લેવાનો નિર્ણય લીધો છે. વસ્તી ગણતરી કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે પરંતુ કેટલાક રાજ્યોએ કાસ્ટ સરવેના નામે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી. વૈષ્ણવે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષો દ્વારા શાસિત રાજ્યોએ રાજકીય કારણોસર કાસ્ટ સરવે કરાવ્યા હતા. આ દૃષ્ટિએ જોઈએ તો સરકારે વિપક્ષના હાથમાંથી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું કાર્ડ છીનવી લીધું છે. વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે સમાજના દરેક વર્ગના હિતમાં કામો કર્યા છે.