મોદી સરકારના આર્થિક પેકેજનું કદ કેવડું?

પાક.ના જીડીપી જેટલું, અંબાણીની સંપત્તિ કરતાં પાંચ ગણું

Saturday 30th May 2020 06:37 EDT
 
 

નવી દિલ્હી: કોરોના સામે જંગ લડવા ખેડૂત, શ્રમિકથી માંડીને નાના વેપારી અને મોટા ઉદ્યોગોને મોદી સરકાર દ્વારા અપાનારું રૂપિયા ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજનું કદ લગભગ પાકિસ્તાનના કુલ જીડીપી જેટલું થવા જાય છે. મોદી સરકારે ૨૬૬ બિલિયન અમેરિકી ડોલર એટલે કે તેના જીડીપીના ૧૦ ટકા જેટલું આર્થિક પેકેજ જાહેર કર્યું છે.
વર્લ્ડ બેન્કના આંકડા અનુસાર પાકિસ્તાનનો કુલ જીડીપી ૨૮૪ બિલિયન અમેરિકન ડોલર છે. ભારતે કોરોના માટે જાહેર કરેલું આર્થિક પેકેજ વિયેટનામ, પોર્ટુગલ, ગ્રીસ, ન્યૂઝીલેન્ડ અને રોમાનિયા સહિતના ૧૪૯ દેશોના જીડીપી કરતાં પણ વધુ છે.
જાપાને તેના જીડીપીના ૨૦ ટકા, સિંગાપુર, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયાએ તેમના જીડીપીના ૧૦ ટકા જેટલા રાહત પેકેજ જાહેર કરેલાં છે.
મોદી સરકારે જારી કરેલાં રાહત પેકેજની રકમ એટલી મોટી છે કે તેના દ્વારા દેશના ૭૦૦ જિલ્લામાં એક એક સ્ટેચ્યૂ ઓફ યુનિટી તૈયાર થઇ શકે છે. ગુજરાતમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નિર્માણ ખર્ચ રૂપિયા ૩૦૦૦ કરોડ આવ્યો હતો.
અમદાવાદ-મુંબઇ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેનનો ખર્ચ રૂપિયા ૧.૧૦ લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે. આ પેકેજની રકમમાંથી દેશમાં ૧૮ રૂટ પર બુલેટ ટ્રેન દોડાવી શકાય. આટલી રકમમાંથી ભારત સરકાર ૧૧૦૦ રાફેલ યુદ્ધવિમાનની ખરીદી કરી શકે છે. દેશમાં એક એઇમ્સ હોસ્પિટલ તૈયાર કરવાનો અત્યારે અંદાજિત ખર્ચ રૂપિયા ૧૧૦૦ કરોડ આવી શકે છે. આટલી રકમમાંથી દેશમાં ૧૮૦૦ એઇમ્સ હોસ્પિટલ તૈયાર થઇ શકે છે.
રૂપિયા ૨૦ લાખ કરોડ દેશની ૧૩૦ કરોડની જનતામાં સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના હિસ્સામાં રૂપિયા ૧૫,૩૦૦ આવી શકે છે.

૧૦ ભારતીય અબજોપતિની કુલ સંપત્તિ કરતાં બમણું

મોદી સરકાર દ્વારા જારી કરાયેલ રાહત પેકેજની રકમ ભારતના ૧૦ ટોચના અબજોપતિની કુલ સંપત્તિથી બમણી છે. ભારતના ટોચના ૧૦ અબજોપતિની કુલ સંપત્તિ ૧૪૭ અબજ અમેરિકન ડોલર થવા જાય છે. દેશના નંબર વન અબજોપતિ મુકેશ અંબાણીની સંપત્તિ કરતાં મોદી સરકારનું પેકેજ પાંચ ગણું વધુ છે.

જે. પી. મોર્ગનના કુલ માર્કેટ કેપિટલ જેટલું પેકેજ

સરકાર દ્વારા જાહેર કરાયેલ પેકેજ ગ્લોબલ જાયન્ટ મનાતી જે. પી. મોર્ગન ચેઝ અને માસ્ટરકાર્ડના કુલ માર્કેટ કેપ જેટલું છે. ઇન્ટેલ, વેરિઝોન, કોકાકોલા અને ફાઇઝર જેવી મલ્ટિનેશનલની માર્કેટ વેલ્યૂ કરતાં પણ ભારતીય પેકેજ મોટું છે.

બીએસઇની માર્કેટ વેલ્યૂ કરતાં ૧૭ ટકા રકમ

૨૦ લાખ કરોડ રૂપિયા બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ શેરોની કુલ માર્કેટ વેલ્યૂના ૧૭ ટકા થવા જાય છે. ગયા મંગળવારે કારોબારના અંતે બીએસઇનું કુલ માર્કેટ કેપ રૂપિયા ૧૨૧ લાખ કરોડ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter