મોદી સરકારના આર્થિક સુધારા પર મૂડીઝ ઓળઘોળઃ ભારતનું રેટિંગ સુધાર્યું

Monday 20th November 2017 05:55 EST
 
 

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના સ્થાનિક અને વિદેશી કરન્સી ઇશ્યૂઅર રેટિંગને BAA3થી સુધારીને BAA2 કર્યું છે. મૂડીઝે હવે ભારતીય અર્થતંત્રને પોઝિટિવથી સ્ટેબલ એટલે કે હકારાત્મકથી સ્થિર અર્થતંત્રને દરજ્જો આપ્યો છે. મૂડીઝે જીએસટી, બાયોમેટ્રિક એકાઉન્ટ્સ માટે ‘આધાર’ સિસ્ટમ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ, નોટબંધી સહિતના આર્થિક સુધારાનાં પગલાંની પ્રશંસા કરી છે. રેટિંગ એજન્સીએ બેન્કિંગ સિસ્ટમમાં બેડ લોન્સ ઘટાડવા માટે લેવાયેલાં પગલાંને પણ બિરદાવ્યાં છે.
મૂડીઝે ભારતના રેટિંગમાં ૨૦૦૪ પછી ૧૩ વર્ષના ગાળા બાદ સુધારો કર્યો છે. ૨૦૦૪માં મૂડીઝે ભારતને BAA3નું રેટિંગ આપ્યું હતું. તે સમયે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વમાં એનડીએ સરકાર શાસનધૂરા સંભાળતી હતી. મૂડીઝ દ્વારા રેટિંગ સુધારાતાં હવે ભારત સરકાર માટે આંતરરાષ્ટ્રીય ધિરાણ લેવું સસ્તું બનશે. આ ઉપરાંત સ્વાયત્ત રેટિંગ દ્વારા જેમના રેટિંગ્સ નિયંત્રિત બન્યાં હતાં તેવા મોટાં ઉદ્યોગગૃહો પણ સસ્તુ આંતરરાષ્ટ્રીય ધિરાણ મેળવી શકશે. રેટિંગ સુધરતાં શેરબજારોનાં સેન્ટિમેન્ટમાં પણ સુધારો આવ્યો છે.
મૂડીઝે ૧૭ નવેમ્બરે એક નિવેદનમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી મોદી સરકાર દ્વારા કરાયેલા આર્થિક સુધારાને કારણે ભારતમાં બિઝનેસ કરવાનાં વાતાવરણમાં સુધારો થશે, ઉત્પાદકતા વધશે, વિદેશી અને ઘરેલુ મૂડીરોકાણમાં વધારો થશે. જેના પગલે ભારતીય અર્થતંત્રનો સતત અને મજબૂત વિકાસ થશે. ભારતીય અર્થતંત્રની આંચકા પચાવવાની શક્તિમાં વધારો થશે. ભારતના રેટિંગમાં સુધારાથી વૈશ્વિક સ્પર્ધા પણ વધશે. મૂડીઝની જાહેરાતથી જીએસટી અને નોટબંધીને કારણે વિરોધનો સામનો કરી રહેલી મોદી સરકારને વિરોધીઓને ચૂપ કરાવવાનું શસ્ત્ર મળી ગયું છે.

રૂપિયો મજબૂત, શેરબજારમાં તેજી

મૂડીઝની જાહેરાત સાથે ડોલરની સામે રૂપિયામાં ૬૯ પૈસાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. એક સમયે ટ્રેડિંગમાં રૂપિયો એક સપ્તાહની ઊંચી સપાટી ૬૪.૬૩ પર પહોંચી ગયો હતો. નિકાસકારો, બેન્કો દ્વારા વેચાણ અને ડોલરની નબળાઈને કારણે રૂપિયો વધુ મજબૂત બન્યો હતો. આગલા દિવસે રૂપિયો ૧૧ પૈસા તૂટીને એક ડોલર સામે રૂપિયા ૬૫.૩૨ પર બંધ રહ્યો હતો.
શેરબજારમાં મૂડીઝના રેટિંગની અસર જોવા મળી હતી. બજારમાં તેજીનું મોજું ફરી વળ્યું હતું. બેન્કિંગ શેરોમાં ૬ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, યસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા, આઈસીઆઈસીઆઈ સહિતની બેન્કોના શેરોમાં ૩.૫ ટકાથી ૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો. મૂડીઝના રેટિંગને શેરબજારોએ પણ વધાવી લીધું હતું. છેલ્લા એક સપ્તાહથી મંદીમાં અટવાયેલા બજારમાં એક જ સેશનમાં સેન્સેક્સમાં ૨૩૬ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૬૮ પોઇન્ટનો વધારો નોંધાયો હતો.

જીએસટી - નોટબંધીની પ્રશંસા

મૂડીઝે મોદી સરકારના નોટબંધી અને જીએસટીના અમલનાં પગલાંને હકારાત્મક ગણાવ્યાં છે. એજન્સીએ કહ્યું છે કે, નોટબંધી અને જીએસટી દ્વારા મોદી સરકારે ભ્રષ્ટાચાર ઘટાડવા, આર્થિક ગતિવિધિઓને કાયદેસર બનાવવા, કરની આવક અને શાસનમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે. જીએસટી અને નોટબંધીથી ભારતીય સંસ્થાઓને લાભ થશે.

નાણાં પ્રધાનની સલાહ

નાણાં પ્રધાન અરુણ જેટલીએ મૂડીઝની જાહેરાતને આવકારતાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવા છેલ્લાં કેટલાંક વર્ષોથી લેવાયેલાં હકારાત્મક પગલાંને મોડે મોડે પણ માન્યતા મળી છે. સરકારની આર્થિક નીતિના ટીકાકારોને વળતો જવાબ આપતાં જેટલીએ જણાવ્યું હતું કે, ભારતના આર્થિક સુધારા સામે શંકા કરનારા હવે આત્મનિરીક્ષણ કરે. મૂડીઝે છેલ્લાં ત્રણ વર્ષમાં થયેલા સંખ્યાબંધ સુધારાને માન્યતા આપી છે.

યશવંત સિંહાની વક્રોક્તિ

મૂડીઝના રેટિંગ સંદર્ભે મોદી સરકાર પર કટાક્ષ કરતાં ભાજપના જ વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, આપણે સંસદના સેન્ટ્રલ હોલમાં રાત્રે બાર વાગે મૂડીઝના રેટિંગની ઉજવણી કરવી જોઇએ. સાથોસાથ સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સના રેટિંગને પણ વખોડીવું જોઈએ. છેલ્લા એક દાયકાથી આ રેટિંગ એજન્સીએ ભારતને લોઅર ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડમાં રાખ્યો છે.

સુશાસનનું પ્રમાણપત્ર: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, મૂડીઝનું રેટિંગ મોદી સરકારની સારી કામગીરીનો પુરાવો છે. મોદી સરકારનાં સુશાસન અને સુધારાઓને વધુ એક માન્યતા પ્રાપ્ત થઈ છે. મૂડીઝ માને છે કે મોદી સરકારના સુધારાથી ભારતમાં બિઝનેસનું વાતાવરણ સુધરશે. અમિત શાહે તાજેતરમાં વર્લ્ડ બેન્કે જારી કરેલા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ લિસ્ટમાં ભારતનું સ્થાન ઉપર આવ્યું હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter