નવી દિલ્હી: દેશમાં એપ્રિલ મહિનામાં શરૂ થયેલા કોરોના વાઇરસની બીજી લહેરને કારણે ભારે તબાહી સર્જાઇ છે. આ માહોલ વચ્ચે મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પણ પૂર્ણ થયા છે. વીત્યા સાત વર્ષોમાં પહેલી વખત કોરોનાને કારણે મોદી સરકારની આટલી ટીકા થઇ રહી છે. તાજેતરના એક સર્વેના તારણ અનુસાર મોદી-૨.૦થી નારાજગીનું સૌથી મોટું કારણ કોરોના મહામારી બની છે.
આ સર્વેમાં કહેવાયું છે કે બીજા કાર્યકાળમાં મોદી સરકાર જે રીતે કોરોનાનો સામનો કરી રહી છે તેનાથી લોકો નારાજ છે. ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ આ નારાજગી શહેરીજનોમાં વધુ છે. એબીપી ન્યૂઝ-સી વોટર દ્વારા મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે આ સર્વે કરાયો છે. જેમાં જાહેર થયું હતું કે શહેરમાં રહેતા ૪૪ ટકા લોકો મોદી સરકારની કોરોના સામે કામ કરવાની પદ્ધતિથી ખાસ્સા નારાજ છે. જોકે
ગ્રામ્ય વિસ્તારોમાં આ નારાજગી માત્ર ૪૦ ટકા જ છે.
સર્વેમાં ખેડૂત કાયદા અંગે માત્ર ૨૦ ટકા લોકો જ નારાજ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નારાજગીનું પ્રમાણ વધીને ૨૫ ટકાએ પહોંચ્યું છે. જાણવાની વાત એ છે કે કેન્દ્ર સરકારે ગત વર્ષે ત્રણ નવા કાયદા જારી કર્યા હતા. જે અંગે પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ સહિત અનેક વિસ્તારોમાં ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે. છ મહિના બાદ પણ દિલ્હીની વિવિધ સરહદો પર આ પ્રદર્શન જારી છે.
સર્વેમાં લોકોને સવાલ કરાયો હતો કે તેમના મતે દેશમાં આજના સમયે સૌથી મોટી પરેશાની શું છે તો ૩૬ ટકા લોકોએ કોરોના મહામારીને તેમની સમસ્યા જણાવી હતી. બેરોજગારી મામલે ૧૮ ટકા લોકોએ સમસ્યા હોવાનું સ્વીકાર્યું હતું.
બીજી બાજુ મોંઘવારીથી ૧૦ ટકા લોકો પરેશાન છે. ભ્રષ્ટાચાર અંગે સાત ટકા લોકોએ મુશ્કેલી હોવાની જાણ કરી છે, જ્યારે ચાર ટકા લોકોએ કૃષિ ક્ષેત્રને પરેશાની તરીકે ગણાવી હતી. આ સર્વે ૨૩થી ૨૭ મેની વચ્ચે કરાયું હતું. જેમાં આશરે ૧૨,૦૦૦થી વધુ લોકોને આવરી લેવાયા હતા.