નવી દિલ્હી: મોદી સરકાર પર કોંગ્રેસે રૂ. ૪૫,૦૦૦ કરોડનું ટેલિકોમ કૌભાંડ છાવરી રહ્યું હોવાના આક્ષેપો તાજેતરમાં મૂક્યા છે. વાજપેયી શાસનમાં થયેલા આ કૌભાંડને મોદી સરકાર દબાવી રહી છે તેમ કોંગ્રેસના રણદીપ સૂરજેવાલાએ એક પ્રેસકોન્ફરન્સમાં કહ્યું હતું. સૂરજેવાલાએ મોદી સરકાર પર આક્ષેપો કરતાં કહ્યું કે છ ટેલિકોમ કંપનીઓ પાસેથી બાકી રકમ વસૂલવા તેમજ દંડ વસૂલ કરવાને બદલે સરકાર તેને છાવરવાની કોશિશ કરી રહી છે. મોદી ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીઓનો પ્રચાર કરતા હતા ત્યારે ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ તેવા મોટાં મોટાં બણગાં ફૂંકતા હતા, પણ લોકોને આપેલું આ વચન તેઓ ઘોળીને પી ગયા છે. મોદી તેમના બિઝનેસમેન મિત્રોને લાભ કરાવી રહ્યા છે. ‘ઘરના ભૂવા અને ઘરના ડાકલા’ની જેમ સરકાર એક યા બીજી રીતે દેશના ઉદ્યોગપતિઓ અને મૂડીવાદીઓને મદદ કરી રહી છે તેવું આના પરથી લાગી રહ્યું છે.
મોદી કરોડોથી ઓછું ખાતા નથી અને ગરીબોને રોટી ખાવા દેતા નથી: શક્તિસિંહ
ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ કૌભાંડ આશરે રૂ. ૪૫,૦૦૦ કરોડનું છે. મોદીજી અડધું સત્ય બોલે છે. તેઓ કહે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. સત્ય એ છે કે તેઓ કરોડોથી ઓછું ખાતા નથી અને મહેનત કરવાવાળાને ચેનની રોટી ખાવા દેતા નથી.