નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ સપ્તાહમાં બે વિક્રમ પોતાના નામે કર્યા છે. ૧૩ ઓગસ્ટે શાસનકાળના ૨૨૬૮ દિવસ પૂર્ણ કરીને તેઓ સૌથી લાંબો સમય દેશનું સુકાન સંભાળનાર પ્રથમ બિનકોંગ્રેસી વડા પ્રધાન બન્યા છે. તો બે દિવસ બાદ સ્વાતંત્ર્ય પર્વે - ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવીને સતત સાતમી વખત ધ્વજવંદન કરાવનાર પ્રથમ બિનકોંગ્રેસી વડા પ્રધાનનો વિક્રમ પણ પોતાના નામે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બિનકોંગ્રેસી વડા પ્રધાન તરીકે સૌથી લાંબો સમય દેશનું સુકાન સંભાળવાનો વિક્રમ અત્યાર સુધી અટલ બિહારી વાજપેયીના નામે હતો. તેમણે કુલ ૨૨૬૮ દિવસ વડા પ્રધાન પદ સંભાળ્યું હતું. આમ વડા પ્રધાન મોદીએ સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ સંભાળનાર બિનકોંગ્રેસી નેતા તરીકે પૂર્વ વડા પ્રધાન વાજપેયીને પાછળ છોડી દીધા હતા.
સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદની જવાબદારી સંભાળનારાઓમાં પંડિત જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને ડો. મનમોહન સિંહનો સમાવેશ થાય છે. મોદી આ યાદીમાં ચોથા સ્થાને છે.