પટનાઃ ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી સમારોહના સમાપન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં મોતિહારી પહોંચ્યા હતા. અહીં 'સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ' અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ત્યાં પ્રોટોકોલ તોડીને સ્વચ્છતા અને પેયજળ મંત્રાલયના સચિવ પરમેશ્વર જી. અય્યરના વખાણ કર્યાં હતાં. તેઓએ કહ્યું કે અય્યર પર પોતાનો કેમેરા ફોકસ કરે, કારણ કે આ તે એ માણસ છે, જે અમેરિકા છોડી ભારત આવ્યા. તેઓ જાતે શૌચાલય સાફ કરે છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીએ ૧૦મી એપ્રિલ ૧૯૧૭ના રોજ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. તેની યાદમાં ગયા વર્ષે તેનો શતાબ્દી સમારોહ
શરૂ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ તેનું સમાપન થયું.
સચિવના વખાણ
મોદીએ કહ્યું કે થોડા સમય પહેલાં મને અમુક સ્વચ્છ આગ્રહી સાથીઓને સન્માનિત કરવાનો મોકો મળ્યો હતો. હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું. તેમાં મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી છે. સ્વચ્છતાનું મહત્વ આપણી માતા-બહેનો અને દીકરીઓ વધારે સારી રીતે જાણે છે. આજે મને એક વ્યક્તિનું સન્માન કરવાનો મોકો મળ્યો છે. હું પ્રશાસનિક મર્યાદાઓ તોડીને તેમની વાતનો ઉલ્લેખ કરવા માગુ છું. સરકારમાં કામ કરનાર અધિકારીઓ અનામ હોય છે. તેમની ઓળખ નથી થઈ શકતી. તેઓ પડદાની સામે નથી આવતા.
કેન્દ્ર સરકારમાં અમારા સચિવ પરમેશ્વરજી અય્યર આ કામને જોઈ રહ્યા છે. તેઓ આઈએએસની નોકરી છોડીને અમેરિકા જતા રહ્યા હતા. ત્યાં તેઓ શાંતિનું જીવન જીવતા હતા. અમારી સરકાર બન્યા પછી અમે ઘણાં લોકોને આમંત્રણ આપ્યું હતું. મને આનંદ છે કે તેઓ અમેરિકાનું શાંતિવાળું જીવન છોડીને ભારત પરત આવ્યા છે. મે તેમને સરકારમાં લીધા અને સ્વચ્છાગ્રહનું કામ આપ્યું છે. હવે તેઓ વિવિધ જગ્યાએ જાતે જઈને શૌચાલય બનાવવાનું અને સાફ કરવાનું કામ કરે છે. પરમેશ્વરજી મારા સાથી છે. હજારો સ્વચ્છાગ્રાહીઓ હોય તો મારો વિશ્વાસ દ્રઢ થઈ જાય છે કે બાપુનું સપનું પુરુ થઈ જશે. આપણે એવું સાંભળીએ છીએ કે ભગવાન હજાર હાથ વાળો હોય છે. પરંતુ હું નમ્રતા સાથે કહું છું કે, હજારો સ્વચ્છાગ્રાહીઓ બેઠા હોય તો દેશનો વડાપ્રધાન પણ હજારો હાથ વાળો થઈ જાય છે.
૫૬ વર્ષના પરમેશ્વર અય્યર યુપી કેડરના આઈએએસ ઓફિસર છે. તેમને ૨૦૧૬માં પેયજળ અને સ્વચ્છતા વિભાગના સચિવ બનાવ્યા હતા. મોદી સરકારે તેમને સ્વચ્છતા ભારત મિશન અને વર્લ્ડ બેન્ક પ્રોજેક્ટ વચ્ચે તાલમેલ બનાવવાની જવાબદારી આપી હતી. વર્ષ ૨૦૦૯માં નિવૃત્તિ લઈને ઐય્યરે જલ સૂરજ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો અને ત્યારપછી વર્લ્ડ બેન્ક જોઈન કરી હતી.
બિહારે દેશને રસ્તો બતાવ્યો
મોદીએ કહ્યું હતું કે, છેલ્લા ૧૦૦ વર્ષમાં ભારતે ત્રણ મોટી કસોટીનો સામનો કર્યો છે તે સમયે બિહારે જ દેશને રસ્તો બતાવ્યો છે. જ્યારે દેશ ગુલામીમાં હતો ત્યારે બિહારે જ મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા અને બાપુ બનાવ્યા હતા. સ્વતંત્રતા પછી જ્યારે કરોડો ખેડૂતો સામે ભૂમિહીનતાનું સંકટ આવ્યું ત્યારે વિનોબા ભાવેજીએ ભૂદાન આંદોલન કર્યું હતું અને ત્રીજી વખત જ્યારે દેશ પર લોકતંત્રનું સંકટ આવ્યું ત્યારે આ ધરતીના નાયક બાબુ જયપ્રકાશ નારાયણે લોકતંત્રને બચાવી લીધું હતું. સ્વચ્છાગ્રહીઓમાં ગાંધીનો અંશ છે તેમને મારા પ્રણામ છે.
મોદીએ અહીં રિમોર્ટ દ્વારા રૂ. ૧૧૮૬ કરોડની ૫ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. વડા પ્રધાનને સાંભળવા ગાંધી મેદાનમાં સમગ્ર દેશમાંથી ભેગા થયેલા ૨૦ હજાર સ્વચ્છાગ્રાહીઓમાંથી ઘણાં લોકોને સન્માનિત કરાયા હતા.
ભોજપુરીમાં ભાષણ
મોદીએ અંદાજે ૨૦ હજાર સ્વચ્છાગ્રાહીઓને આપેલા સંબોધનની શરૂઆત ભોજપુરીમાં કરી હતી. ચંપારણ સત્યાગ્રહના સમયમાં ચંપારણના લોકોએ સાથે મળીને મહાત્મા ગાંધીએ સત્યાગ્રહની શરૂઆત કરી હતી.
તેમણે કહ્યું હતું કે આજે આપણે બાપુના અભિયાનને આગળ વધારી રહ્યા છીએ. જે લોકોનું કહેવું છે કે, ઈતિહાસનું પુનરાવર્તન નથી થતું. તે લોકો અહીં આવીને જુએ કે ૧૦૦ વર્ષ પહેલાંનો ઈતિહાસ આજે પણ આપણી સામે સાક્ષાત છે. મારી સામે જે સ્વચ્છાગ્રાહીઓ બેઠા છે જેમની અંદર ગાંધીના વિચાર-આદર્શનો અંશ જીવિત છે. હું આવા દરેક સ્વચ્છાગ્રાહીઓના અંદર રહેલા ગાંધીજીના અંશને પ્રણામ કરું છું.
મોદીએ કહ્યું કે અમૃત યોજનાથી દોઢ લાખ લોકોને લાભ મળશે. બિહારમાં એક અઠવાડિયામાં સાડા આઠ લાખ શૌચાલય બનાવવા આવ્યા છે. ટૂંક સમયમાં ગંગા પણ શૌચ મુક્ત થઈ છે. આ સાથે મોદીએ બિહારમાં ગંગાની સફાઈ માટે રૂ. ૩૦૦૦ કરોડની ફાળવણીની વાત કરી હતી. મોદીએ સરકારી યોજનાઓ વિશે કહ્યું કે, સરકાર જન-જનને જોડવાનું કામ કરી રહી છે, પરંતુ સરકારના કામમાં રોડા નાખવામાં આવી રહ્યા છે.
રેલ એન્જિનને લીલી ઝંડી
વડા પ્રધાને કહ્યું કે, દેશના પહેલાં ૧૨૦૦૦ હોર્સપાવર (એચપી)ના વીજળીના રેલ એન્જિનને લીલી ઝંડી બતાવવાની સાથે જ ભારત, રશિયા, ચીન, જર્મની અને સ્વીડન સહિત તે દેશોની હરોળમાં સામેલ થઈ જશે, જેની પાસે ૧૨૦૦૦ એચપી અથવા તેનાથી વધારે ક્ષમતા વાળું રેલ એન્જિન છે તે દેશ શું ન કરી શકે? વડા પ્રધાનના કાર્યક્રમોમાં મધેપુરા રેલવે ફેક્ટરીનું ઉદ્ધાટન પણ સામેલ હતું. નોંધનીય છે કે, ભારતીય રેલવે પાસે હાલ સૌથી વધુ ક્ષમતા વાળું ૬૦૦૦ એચપીનું રેલ એન્જિન છે.
રૂ. ૧૧૮૬ કરોડની યોજનાનો શિલાન્યાસ
વડા પ્રધાન દ્વારા મોતિહારી નગર વિકાસની પાંચ યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં અંદાજિત રૂ. ૧૧૮૬ કરોડનું રોકાણ કરવામાં આવશે. તેમાં રૂ. ૧૧૬૪ કરોડ પટનામાં શરૂ થનારી ૪ યોજનાઓ ઉપર ખર્ચ કરવામાં આવશે. તેનાથી અહીં ૩૮૧.૭ કિમી લંબાઈની ૩ સીવરેજ નેટવર્ક તૈયાર કરવામાં આવશે. આ સિવાય મોતિહારીના મોતિઝીલનું પણ રિનોવેશન કરવામાં આવશે.
મોતિહારીની મોતિઝીલની સુંદરતા વધારવામાં રૂ. ૨૧.૯૯ કરોડનો ખર્ચ થશે. બેતિયા નગરમાં પરિષદ જલાપૂર્તિ યોજના થશે. સુગૌલીમાં એલપીજી પ્લાન્ટ થશે. મુઝફ્ફરપુરમાં સુગૌલી રેલવે લાઈનનો સુધારો થશે. મોતિહારીમાં એલપીજી ટર્મિનલ બનશે. ચંપારણમાં હમસફર ટ્રેનનું ઉદ્ધાટન મોદીના હસ્તે થયું હતું.