મોદીના વચનોની લ્હાણીએ નાણાંની ખેંચ ઊભી કરી

Wednesday 27th May 2015 08:05 EDT
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે શાસનધૂરા સંભાળ્યાને એક વર્ષ થયું છે. આ એક વર્ષમાં તેમણે ૧૮ દેશોની મુલાકાત લીધી અને આશરે બે મહિના (૫૫ દિવસ) તો તેઓ વિદેશોમાં જ રહ્યા છે. તેમણે એ સમયમાં કેટલાક દેશોને નાણાકીય મદદનું વચન પણ આપ્યાં. જોકે, એ લ્હાણી કરવામાં તેમણે દેશની તિજોરીમાં ભંડોળ કેટલું છે તે જોવાની તસ્દી લીધી નથી. આથી ભંડોળની ખેંચ પડી રહી છે અને અનેક દેશોની સહાય ઘટાડવી પડી છે અથવા તો અટકાવી દેવી પડી છે.
મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે વિદેશ ઓફિસનું ફંડિંગ ૧૫ ટકા જેટલું ઘટાડી દીધું છે. જેને કારણે ભંડોળની ખેંચ અનુભવી રહેલાં વિદેશી બાબતોના મંત્રાલયને મહત્ત્વના રાજદ્વારી વચનોને પાછા ખેંચવાની ફરજ પડી છે. એક અહેવાલમાં જણાવાયું છે કે ભંડોળ ઘટાડી દેવાને કારણે બાંગ્લાદેશને અપાતી સહાયમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો કરાશે. માલ્દીવ્સને માર્ચ સુધીમાં રૂ. ૧૫૮ કરોડ લોન પેટે આપવાનું વચન પણ પૂર્ણ થઇ શક્યું નથી. નેપાળને અપાનારી સહાયમાં એક તૃતિયાંશ, ભૂટાનને અપાનારી સહાયમાં પાંચમા ભાગનો અને મ્યાંમારને અપાનારી સહાસમાં ત્રણ પંચમાંશનો ઘટાડો કરાયો છે.
મોદી સરકારે સત્તા પર આવ્યાના પ્રથમ નવ મહિનામાં જ ટ્રાવેલિંગ પર રૂ. ૩૧૭ કરોડનો ખર્ચ કરી નાખ્યો હોવાનું સુધારેલા અંદાજપત્રીય અંદાજોમાં જણાવાયું છે. જે ૨૦૧૩-૧૪માં સંપૂર્ણ વર્ષ દરમિયાન યુપીએ સરકારે બીજી મુદતના શાસનમાં ખર્ચેલા રૂ. ૨૫૮ કરોડથી આશરે રૂ. ૫૯ કરોડ વધુ હતો.
વર્તમાન સરકારની હાઇ લેવલ વિદેશ મુલાકાતો વિદેશ ઓફિસના બજેટ પર બોજ વધારી રહી છે. હવે સ્થિતિ એવી છે કે વિદેશ મંત્રાલય વડા પ્રધાન, રાષ્ટ્રપતિ અને સરકારના અન્ય વરિષ્ઠ પ્રતિનિધિઓ દ્વારા કરાતાં આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ માટે એક અલગ ફંડ ઊભું કરવા માટે નાણાં મંત્રાલયને લખવાનું વિચારી રહ્યું છે. જેથી કરીને રાષ્ટ્ર ક્ષોભથી બચે અને આબરૂ સચવાય.
વિદેશની અનેક યાત્રાઓ દરમિયાન મોદીએ મોંગોલિયાને તે રૂ. ૬,૪૦૦ કરોડની ધિરાણ આપવાનું અને અંગ્રેજી માધ્યમની એક સ્કૂલ અને એક આઇટી સેન્ટર સ્થાપવાનું વચન આપ્યું છે. સેશલ્સમાં તેમણે દેશના મેરિટાઇમ સર્વેલન્સ માટે ડોર્નિયર એરક્રાફ્ટનું વચન આપી દીધું છે તો ગયાનામાં મોદીએ રૂ. ૩૮૪ કરોડની એક દરિયાઇ નૌકા આપવા ઉપરાંત ફોર-લેન હાઇવે બાંધવાની જાહેરાત કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભેટનું આ લિસ્ટ અહીં અટકતું નથી. તેમણે બાંગ્લાદેશ, મ્યાંમાર, અફઘાનિસ્તાન, નેપાળ અને ભૂટાન જેવા પાડોશી દેશોને ગ્રાન્ટ્સ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અનેક વચનો આપ્યાં છે. જોકે, વિદેશ ઓફિસમાં ભંડોળની અછતને કારણે તે હજુ પૂર્ણ કરી શકાયા નથી.
આ મહિનામાં જ વિદેશ મંત્રાલયે સંસદીય પેનલને એક પત્ર પાઠવીને જણાવ્યું હતું કે ‘આ મહત્ત્વના કામકાજના ગાળામાં ભંડોળ ન હોવાને કારણે પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થઇ શકતા નથી અને તેનાથી પ્રોજેક્ટનો ખર્ચ વધી જાય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter