વારાણસીઃ નરેન્દ્ર મોદીએ ઉમેદવારીપત્ર ભરતી વેળા ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની કુલ સંપત્તિ રૂ. ૨.૫ કરોડ હોવાનું જણાવ્યું છે. આ સંપત્તિમાં ગુજરાતનાં ગાંધીનગરમાં એક પ્લોટ, રૂ. ૧.૨૭ કરોડની એફડી અને ૩૮,૭૫૦ રૂપિયાની રોકડનો સમાવેશ થાય છે. સોગંદનામામાં પીએમ મોદીએ જશોદાબેનને પોતાના પત્ની ગણાવ્યા છે.
મોદીએ એ વાતની જાહેરાત કરી છે કે તેમણે ૧૯૮૩માં ગુજરાત યૂનિવર્સિટીમાંથી MAની ડિગ્રી મેળવી હતી. સોગંદનામા પ્રમાણે તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય (૧૯૭૮)થી આર્ટ્સ ગ્રેજ્યુટ છે. તેમણે ૧૯૬૭માં ગુજરાત બોર્ડથી SSC પરીક્ષા પાસ કરી હતી.
મોદીએ પોતાની સ્થાવર સંપત્તિ ૧.૪૧ કરોડ અને અસ્થાવર સંપત્તિની કિંમત ૧.૧ કરોડ રૂપિયા જણાવી છે. એટલું જ નહીં, તેમણે ટેક્સ સેવિંગ ઇન્ફ્રા બોન્ડ્સમાં ૨૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત તેમણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં ૭.૬૧ લાખ રૂપિયા અને LIC પોલીસીઓમાં ૧.૯ લાખ રૂપિયા રોક્યા છે.
મોદીનાં બેંક એકાઉન્ટમાં ૪૧૪૩ રૂપિયા કેશ બેલેન્સ છે. સોગંદનામા પ્રમાણે વડા પ્રધાન પાસે ૪ સોનાની વીંટીઓ છે, જેનું વજન ૪૫ ગ્રામ અને કિંમત ૧.૧૩ લાખ રૂપિયા છે.
મોદીની પાસે ગાંધીનગર સેક્ટર-૧માં ૩૫૩૧ વર્ગફૂટનો પ્લોટ છે. આવકનાં સ્ત્રોતમાં મોદીએ ‘સરકારી સેલેરી’ અને ‘બેંક વ્યાજ’નો ઉલ્લેખ કર્યો છે.
મોદી સામે કોઈ ગુનાઈત કેસ નથી. સરકારનું કોઈ દેવું ચૂકવવાનું બાકી નથી. મોદીએ આવકવેરા વિભાગ પાસેથી રૂ. ૮૫,૧૪૫ લેવાનાં નીકળે છે જ્યારે વડા પ્રધાન કાર્યાલય પાસેથી રૂ. ૧.૪૦ લાખ લેવાના બાકી નીકળે છે.