નવી દિલ્હીઃ ઇઝરાયલ પ્રવાસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનને ભારતનું ‘પાક્કું સમર્થન’ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે ભારત એક સ્વતંત્ર અને સંયુક્ત પેલેસ્ટાઇન જોવા માગે છે. એક એવો દેશ જે ઇઝરાયલ સાથે શાંતિથી રહી શકે. તેઓએ ૧૬મી મેએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાતચીત બાદ આ નિવેદન આપ્યું હતું. અબ્બાસે કહ્યું હતું કે તેઓ મધ્યપૂર્વની શાંતિપ્રક્રિયામાં ભારતનો સહયોગ ઇચ્છે છે. અબ્બાસની ભારતયાત્રા દરમિયાન બંને દેશ વચ્ચે પાંચ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા.
પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ ૧૪મીથી ચાર દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. ૧૫મીએ તેમણે ભારતીય બિઝનેસમેનો સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિભવનમાં તેમનું સત્તાવાર સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. અબ્બાસે રાજઘાટ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પછી હૈદરાબાદ હાઉસમાં બંને દેશના નેતાઓ અને પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત થઇ હતી અને સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા. અબ્બાસ ૨૦૧૨ બાદ પહેલી વાર ભારત આવ્યા છે. ભાજપ નેતા નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે પહેલીવાર તેમની યજમાની કરી રહ્યા છે. અબ્બાસે કહ્યું કે મધ્યપૂર્વની શાંતિ પ્રક્રિયામાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહેશે કારણ કે બંને દેશ સાથે તેના સંબંધો સારા છે. તેમણે કહ્યું હતું કે તેઓ વિવાદના ઉકેલ માટે સૈન્ય દખલની વિરુદ્ધ છે.
પાંચમી ભારત મુલાકાત
પેલેસ્ટેનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પહેલાં ૫ વાર ભારત આવી ચૂક્યા છે, પણ પહેલો પ્રસંગ છે જ્યારે તેઓ ભાજપના શાસનમાં આવ્યા છે. ભાજપ ઇઝરાયલ સમર્થક મનાય છે અને પક્ષ મોટેભાગે ઐતિહાસિક રીતે પેલેસ્ટાઇનના સમર્થનમાં રહ્યો છે. ભારતની સરકારો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેના મામલાને સતર્કતાથી સંભાળે છે.
મોદીની ઇઝરાયલ મુલાકાત
મોદીપરંપરા તોડનારા છે. તેઓ આગામી મહિને ઇઝરાયલ પ્રવાસે જવાના છે. ભારતના પહેલા વડા પ્રધાન છે જેઓ ઇઝરાયલનો પ્રવાસ કરશે. પેલેસ્ટાઇનનો પ્રવાસ તેમના એજન્ડામાં નથી.