મુંબઈઃ હિન્દી ફિલ્મઉદ્યોગનું કાશી ગણાતી માયાવી નગરી મુંબઇની ચમકદમક જ કંઇક એવી છે કે ભલભલા તેના પ્રભાવમાં આવી જાય છે. ગયા શનિવારે નવનિર્મિત નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમાનું ઉદ્ઘાટન કરવા મુંબઇ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આમાંથી બાકાત નથી. સમારોહમાં ઉપસ્થિત બોલિવૂડ હસ્તીઓને સંબોધતા નરેન્દ્ર મોદી અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. વડા પ્રધાને ગયા પખવાડિયે રિલીઝ થયેલી ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફિલ્મના ડાયલોગ સાથે ભાષણની શરૂઆત કરી હતી. તેમણે ઇન્ડસ્ટ્રીનાં લોકોને પૂછયું હતુંઃ હાઉ ઇઝ ધ જોશ? ત્યારે મહેમાનોએ તેમને લશ્કરી જવાનોની જેમ જ જોશભેર જવાબ આપ્યો હતોઃ હાઇ સર!
શ્યામ બેનેગલની અધ્યક્ષપદે કાર્યરત સલાહકાર સમિતિનાં માર્ગદર્શનમાં નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા તૈયાર કરાયું છે. આશરે ૧૪૧ કરોડ રૂપિયાના ખર્ચે ચાર વરસે મ્યુઝિયમ તૈયાર થયું છે. દેશનું આ પ્રકારનું પહેલું મ્યુઝિયમ છે. સમગ્ર સંકુલ ‘ન્યુ મ્યુઝિયમ ભવન’ અને ૧૯મી સદીના ઐતિહાસિક ‘ગુલશન મહેલ’ એમ બે બિલ્ડિંગમાં વહેચાયેલું છે.
મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યા બાદ ભારતીય ફિલ્મોને બિરદાવતા વડા પ્રધાને કહ્યું કે, આપણી ફિલ્મોમાં માનવીય લાગણીઓને સુંદર રીતે પ્રસ્તુત કરાય છે, પછી વાત ફન પેદા કરવાની હોય કે ફેન બનાવવાની, આપણે દરેક બાબતે આગળ છીએ. આજે યુવાનો બેટમેનના ચાહકો છે તો બાહુબલીના પણ પ્રશંસક છે. આપણાં પાત્રોની પણ ગ્લોબલ અપીલ છે. ફિલ્મો જ પૂરા ભારતવર્ષનું પ્રતિનિધિત્વ કરે છે. એટલું જ નહીં, વિશ્વભરમાં ભારતને બ્રાન્ડ બનાવવામાં ફિલ્મો મહત્ત્વનો ભાગ ભજવે છે.
શું છે આ ફિલ્મ મ્યુઝિયમમાં?
નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમામાં સિનેરસિકો અને ક્રિટિક્સને ભારતીય અને વિદેશી ફિલ્મોના ઇતિહાસની જાણકારી ઉપરાંત ફિલ્મના વિદ્યાર્થીઓ, ફિલ્મસર્જકો ભારતીય ફિલ્મોનો ઇતિહાસ, લેટેસ્ટ ટેક્નોલોજી સહિત અનેક બાબતોની જાણકારી મેળવી શકશે. આ ઉપરાંત અહીં વિન્ટેજ કેમેરા, પ્રોજેક્ટર, એડિટિંગ અને રેકોર્ડિંગ ઇક્વિપમેન્ટ, કોસ્ચ્યુમ, ફોટોગ્રાફ્સ સહિત અનેક ચીજો પ્રદર્શનમાં મુકાઈ છે. ૧૯૧૩માં દાદાસાહેબ ફાળકે નિર્મિત ‘રાજા હરિશ્ચન્દ્ર’ ફિલ્મથી લઈને અત્યાર સુધીનો સિનેમાનો ઇતિહાસ જોવા-જાણવા મળશે.
મ્યુઝિયમ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે, જેમાં મૂંગી ફિલ્મોથી બોલપટ, બ્લેક એન્ડ વ્હાઇટથી કલર, ફિલ્મ રોલથી લઈ ડિજિટલ ટેક્નોલોજી અને બાળકો માટેની ગેલેરીનો સમાવેશ થાય છે. ‘ગુલશન મહેલ’ના હિસ્સામાં ભારતીય સિનેમાના ૧૦૦ વરસથી વધુની યાત્રા દર્શાવવામાં આવી છે, એને ૯ વિભાગમાં વિભાજિત કરાઈ છે. જેમાં સિનેમાની ઉત્પત્તિ, ભારતમાં સિનેમાનું આગમન, ભારતીય મૂક ફિલ્મો, બોલપટનો જમાનો, સ્ટુડિયોનો જમાનો, બીજા વિશ્વયુદ્ધનો પ્રભાવ, ન્યુ વેવ ઉપરાંત પ્રાદેશિક ફિલ્મોનો સમાવેશ કરાયો છે.


