નવી દિલ્હી: વિખ્યાત ટાઈમ મેગેઝિનના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, મોદી સરકારના શાસનમાં ભારતમાં લોકશાહીના ધોરણો કથળ્યા છે અને અમેરિકાએ એ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ. ખેડૂતોનું આંદોલન ભારતની લોકશાહી માટે ટર્નિંગ પોઈન્ટ બની રહેશે એવો મત પણ અહેવાલમાં રજૂ થયો હતો. ટાઈમના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરાઈ છે કે અમેરિકા વિશ્વનો સૌથી જૂનો લોકશાહી દેશ છે. ભારતમાં વિશ્વની સૌથી વિશાળ લોકશાહી છે. ભારત-અમેરિકા અત્યાર સુધી તેમના લોકશાહીના બોન્ડિંગથી જોડાયેલા રહ્યા છે, પરંતુ જો ભારતીય લોકશાહીની સ્થિતિ કથળેલી રહેશે તો બાઈડેન માટે મોદીશાસનમાં લોકશાહીના ધોરણે મજબૂત રીતે જોડાઈ રહેવું કઠિન થઈ જશે.

