નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને રદબાતલ કરીને એક નવું આયોગ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ આયોગ રાષ્ટ્રીય સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આયોગ (નેશનલ કમિશન ફોર સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેક્વર્ડ ક્લાસ) તરીકે ઓળખાશે. જેને બંધારણીય દરજ્જો પણ અપાશે. નવું આયોગ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જ કામ કરશે.
નવા ફેરફારો પ્રમાણે આ આયોગે પણ ઓબીસીમાં નવી જાતિઓનો સમાવેશ કરવા સંસદની મંજૂરી લેવી પડશે. આ આયોગને બંધારણીય દરજ્જો આપવા બંધારણમાં પણ સંશોધન કરીને વિસ્તરણ કરાશે. અત્યાર સુધી આ પ્રકારનો નિર્ણય સરકારી સ્તર પર જ થતો હતો, પરંતુ હવે આ નિર્ણયો સમગ્ર સંસદ દ્વારા લેવાશે. આ ઉપરાંત જૂનું આયોગ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવતું હતું. જૂના આયોગની રચના ૧૪મી ઓગસ્ટ, ૧૯૯૩ના રોજ કરાઈ હતી. રસપ્રદ વાત એ છે કે, સરકારે જાટ આંદોલનના પગલે આ નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. કારણ કે, જાટ સમાજ સતત આંદોલન કરીને અનામતની માગ કરે છે. જાટ નેતાઓ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી થઈ હતી, જેમાં પહેલી શરત એ હતી કે સૌથી પહેલાં પછાત વર્ગ આયોગની નવેસરથી રચના થાય કારણ કે, તેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. આ આયોગની રચના સંસદમાં કાયદો પસાર કરીને કરાઈ હતી.
આ આયોગના નિર્ણયો સરકારી સ્તર પર જ લેવાતા હતા, પરંતુ નવા આયોગના નિર્ણયો સમિતિ દ્વારા લેવાશે. આ માટે સરકાર એક સમિતિની પણ રચના કરશે, જે નવા આયોગની દિશા નક્કી કરીને છ મહિનામાં સરકારને એક અહેવાલ સુપરત કરશે. આ સમિતિમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યો હશે. તેઓ દ્વારા અપાનારા અહેવાલમાં જાટોના સામાજિક અને આર્થિક પછાતપણાનો પણ ઉલ્લેખ કરાશે. આ અહેવાલ આવ્યા પછી જાટ સમાજને અનામત અપાશે.