નવી દિલ્હીઃ દેશની કથળતી જતી અર્થવ્યવસ્થાને લઈને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. તેમના લેખમાં મોદી સરકારની આર્થિક નીતિઓને આડે હાથ લીધા બાદ ફરીથી યશવંત સિન્હાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સિન્હાએ કહ્યું કે ગત દોઢ વર્ષથી અર્થવ્યવસ્થા સતત કથળી રહી છે અને આ માટે ગત સરકારોને જવાબદાર ગણી શકાય નહીં. તેમણે કહ્યું કે ૪૦ મહિના સરકારમાં રહ્યા બાદ આપણે ગત સરકારો પર દોષનો ટોપલો ઢોળી શકીએ નહીં. યશવંત સિન્હાએ કહ્યું કે યુપીએના સમયમાં પોલીસી પેરાલિસિસ હતો અને આશા હતી કે મોદી સરકાર આવ્યા બાદ તે ખતમ થશે. અમે થોડું આગળ વધ્યા પરંતુ જે ગતિ હોવી જોઈતી હતી તે જોવા ન મળી. સતત કથળી રહેલી અર્થવ્યવસ્થાથી બેરોજગારી વધી છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા એક વર્ષથી તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સમય માગી રહ્યા છે, પરંતુ હજુ સુધી મળ્યો નથી.
બેન્કોના ફસાયેલા નાણા પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, બેન્કોના ૮ લાખ કરોડ રૂપિયા ફસાયેલા છે. એનપીએના કારણે બેન્કોએ કરજ આપવાનું બંધ કરી દીધું જેનાથી ખાનગી રોકાણ થતું નથી. એનપીએને કાબૂમાં કરવાની જરૂર છે પરંતુ હજુ સુધી સરકારે આ દિશામાં કશું ખાસ કર્યુ નથી. ૪૦ મોટી કંપનીઓ વિરુદ્ધ દેવાળીયાપણાની પ્રક્રિયા ચાલી રહી છે. બેન્કોની હાલતમાં સુધારનો ઈન્તેજાર હતો, જેનો હજુ પણ ઈન્તેજાર છે.
સિન્હાએ નોટબંધી અને જીએસટીના ટાઈમિંગ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, પ્રજા હજુ એક ઝટકાથી બહાર નહોતી આવી કે બીજો ઝટકો આપી દેવાયો. સિન્હાએ કહ્યું કે દોઢ વર્ષથી અર્થવ્યવસ્થાની મંદ ગતિએ ચાલે છે. છેલ્લા ૬ ત્રિમાસિકથી અર્થવ્યવસ્થામાં સતત મંદી જોવા મળી છે. આ દરમિયાન નોટબંધી કરાઈ. કથળતી અર્થવ્યવસ્થા વખતે નોટબંધી કરવા જેવી નહોતી. નવેમ્બરમાં થયેલી નોટબંધીમાંથી લોકોને હજુ કળ નહોતી વળી કે જુલાઈમાં જીએસટી લાવી દેવાયું. બની શકે કે નોટબંધીથી આગળ સારા પરિણામો આવ્યા હોત પરંતુ સરકારે તેની તાત્કાલિક અસરોનો અભ્યાસ કરવો જોઈએ.
પૂર્વ નાણા પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિન્હાએ કહ્યું કે જીએસટીનું જો કોઈએ સૌથી વધુ મૌખિક સમર્થન કર્યું હોય તો તે હું હતો પરંતુ તેને જે રીતે લાગુ કરાયો તેનાથી બધી ગડબડી થઈ, નોટબંધીના ઝટકા બાદ જીએસટી તરીકે લોકોને વધુ એક ઝટકો અપાયો. અમે પહેલી ઓક્ટોબરથી જીએસટી લાગુ કરવા જણાવ્યું હતું. આ જીએસટીથી પરેશજીએઓ વધી રહી છે.
યશવંત સિન્હાએ કેન્દ્રીય પ્રધાનોની પણ આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે કેન્દ્રના કેટલાક પ્રધાનોને જેટલું ખબર છે, બની શકે કે હું એટલું અર્થશાસ્ત્ર ન જાણતો હોઉ. બની શકે કે રાજનાથ અને પીયૂષ ગોયલ મારાથી વધુ અર્થશાસ્ત્ર સમજતા હોય પરંતુ આ વિચારમાં હું તેમની સાથે નથી.
ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાને કેશ આધારિત બતાવતા કહ્યું કે, દેશને જબરદસ્તીથી કેશલેસ બનાવી શકાય નહીં. કેશલેસ સારી વસ્તુ છે, પરંતુ દુનિયાના સૌથી વિક્સિત દેશમાં પણ કેશ અને કેશલેસનો એક નિશ્ચિત ગુણોત્તર છે. કેશલેસ ખરાબ નથી, પરંતુ બધુ અચાનક કેશલેસ થઈ જાય તો ભારતમાં મુશ્કેલીઓ આવશે. ગ્રામીણ અર્થવ્યવસ્થા કેશ આધારિત છે. ભારપૂર્વક જબરદસ્તીથી દેશ કેશલેસ થશે નહીં.
મનમોહન સિંહના વખાણ
તેમણે કહ્યું કે મનમોહન સિંહે રાજ્યસભામાં જે સ્પીચ આપી હતી તે બિલકુલ સાચી સાબિત થઈ. મનમોહન સિંહ એક મોટા અર્થશાસ્ત્રી છે અને તેમની વાતોની ગંભીરતાથી લેવી જોઈએ.
શત્રુઘ્ન સિંન્હાની સહમતિ
ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા પોતાના પાર્ટીના સહયોગી અને વરિષ્ઠ નેતા યશવંત સિંન્હાના સમર્થનમાં છે. તેમણે જણાવ્યું છે કે યશવંત સિન્હા ખરા અર્થમાં રાજનેતા છે અને તેમણે સરકારને આયનો બતાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન સિન્હાના પોતાની પાર્ટી ભાજપ સાથે જ અનેક મુદ્દે મતભેદ પ્રવર્તે છે. યશવંત સિન્હાએ એક અખબારમાં લખેલા લેખમાં નાણા પ્રધાન અરુણ જેટલીની આર્થિક નીતિઓને લઈને આકરી ટીકાઓ કરી હતી. પૂર્વ નાણા પ્રધાનના વિચારોને ફગાવનારા પાર્ટી નેતાઓ પર શત્રુઘ્ને નિશાન સાધ્યું અને કહ્યું કે આમ કરવું બાલીશ કહેવાશે કારણ કે તેમના વિચારો સંપૂર્ણ રીતે પાર્ટી અને રાષ્ટ્રના હિતમાં છે. અનેક ટ્વિટ કરીને સરકાર પર કટાક્ષ કરતા શત્રુઘ્ને યશવંત સિન્હાની ટિપ્પણીઓને લઈને કહેવાતી વાતોના સંદર્ભમાં દાવો કર્યો કે આપણે બધા જાણીએ છીએ કે કયા પ્રકારની તાકાતો તેમની પાછળ પડી છે.
શત્રુઘ્ન સિન્હાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને ટાંકતા કહ્યું કે વડા પ્રધાને હાલમાં જ કહ્યું હતું કે રાષ્ટ્ર કોઈ પણ પક્ષથી ઉપર છે અને રાષ્ટ્રહિત સૌથી પહેલા આવે છે. શત્રુઘ્ને ટ્વિટ કરીને કહ્યું કે મારું દૃઢતાપૂર્વક માનવું છે કે સિન્હાએ જે પણ લખ્યું છે તે પાર્ટી અને રાષ્ટ્રના હિતમાં છે. યશવંત સિન્હાને મોટાભાઈ ગણાવતાં શત્રુઘ્નએ કહ્યું કે આ પ્રકારના વિચારો સાથે સામે આવવા માટે તેમને બિરદાવવા જોઈએ.
ટ્વિટર પર શત્રુઘ્નએ અરુણ શૌરીની પણ પ્રશંસા કરી. અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં શૌરી યશવંતના સહયોગી હતા. શૌરી પણ મોદી સરકારની નીતિઓના આલોચક છે. શત્રુઘ્ને લખ્યું કે યશવંત સિન્હા અને અરુણ શૌરી ખૂબ જ પ્રબુદ્ધ અને અનુભવી બુદ્ધિજીવી છે. તેમની કોઈ મહત્ત્વાકાંક્ષા નથી અને તેઓને કોઈ પદની લાલસા નથી, ખાસ કરીને એવા સમયમાં કે હવે આગામી ચૂંટણીમાં બે વર્ષથી પણ ઓછો સમય રહી ગયો છે. તેમણે કહ્યું કે યશવંતના આલોચક તેમને પોઈન્ટ ટુ પોઈન્ટ ખોટા સાબિત કરીને બતાવે.