યસ બેન્કે રાતા પાણીએ રોવડાવ્યા

રાણા કપૂરની હેરાફેરી લોકોની બચત ભરખી ગઇ

Tuesday 10th March 2020 16:30 EDT
 
 

નવી દિલ્હી: કરોડો રૂપિયાના યસ બેન્કના આર્થિક ગોટાળાના કેસમાં સીબીઆઇએ સોમવારે એફઆરઆઈ દાખલ કરી છે. ફરિયાદમાં ડીએચએફએલ (દિવાન હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડ)ના નામનો પણ ઉલ્લેખ છે. તેનો સીધો સંબંધ રાણા કપૂર, તેની પુત્રીઓ તથા યસ બેન્કના સીઈઓ કપિલ વાધવાન સાથે છે. કપિલ વાધવાન ડીએચએફએલના પ્રમોટર અને ડાયરેક્ટર પણ છે. તપાસનીશ એજન્સીઓ દ્વારા બેન્ક અને ડીએચએફએલની સાઠગાંઠ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. સીબીઆઈએ જણાવ્યું કે, રાણા કપૂરે પોતાને તથા પરિવારના સભ્યોને લાભ થાય તે રીતે ડીએચએફએલ સાથે ડીલ કરી હતી. પોતાની શેલ કંપનીઓના માધ્યમથી રૂ. ૬૦૦ કરોડની લાંચ ડીએચએફએલ પાસેથી લેવાઇ હતી. રાણા કપૂરે પદનો દુરુપયોગ કર્યો હતો.
ફરિયાદમાં રાણા કપૂર, બિંદુ રાણા કપૂર (પત્ની), રોશની કપૂર (પુત્રી), રાખી કપૂર-ટંડન (પુત્રી), રાધા કપૂર-ખન્ના (પુત્રી), કપિલ વાધવાન (ડીએચએફએલ), ધીરજ વાધવાન (ડીએચએફએલ) તેમજ રાણા કપૂરની પુત્રીની કંપનીઓના નામ છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે ડીએચએફએલ દ્વારા ઓછા મૂલ્યની સંપત્તિના આધારે રાણાની પુત્રીની માલિકીની ડૂઇટ અર્બન વેન્ચર્સને રૂ. ૬૦૦ કરોડ અપાયા હતા. આ ઉપરાંત ડીએચએફએલ દ્વારા યસ બેન્કમાં રોકાયેલા ૩૭૦૦ કરોડ પણ પાછા લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાણા કપૂર અને કપિલ વાધવાન અત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કસ્ટડીમાં જ છે.
એક તરફ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને યસ બેન્કના પુનર્ગઠનની જાહેરાત કરી હતી તેના થોડાક જ કલાકોમાં કપૂર અને વાધવાન પર તવાઇ ઉતરી હતી.

૧૨ શેલ કંપની, કરોડોનું રોકાણ તપાસના ઘેરામાં

યસ બેન્કના ધબડકા બાદ ડીએચએફએલ સાથે સંલગ્ન મની લોન્ડરિંગના કેસમાં ઇડીએ રાણા કપૂરને શનિવારે સવારથી પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા. ૩૦ કલાક લાંબી પૂછપરછ બાદ રવિવારે વહેલી પરોઢે તેમની ધરપકડ કરાઇ હતી. રાણા કપૂર પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) અંતર્ગત મની લોન્ડરિંગના આરોપ મુકાયા છે. રાણા કપૂરના ૪૪ અત્યંત મૂલ્યવાન પેઇન્ટિંગ્સ, ૧૨ કરતાં વધુ બનાવટી કંપનીઓ અને રૂપિયા ૨૦૦૦ કરોડનાં રોકાણો ઇડીની તપાસના ઘેરામાં છે.

સંખ્યાબંધ ડિફોલ્ટરે ચૂનો લગાવ્યો

યસ બેન્કે નબળી કંપનીઓને આપેલી લોન સમસ્યાનું મુખ્ય કારણ છે. પૂર્વ સીઈઓ કપૂરે સંબંધોના આધારે લોન આપી દેતાં હતાં. તેના કારણે અનિલ અંબાણી ગ્રૂપ, આઇએલએન્ડએફએસ, સીજી પાવર, એસ્સાર પાવર, વરદરાજ સિમેન્ટ, ડીએચએફએલ, જેટ એરવેઝ, કોક્સ એન્ડ કિંગ્સ, કાફે કોફી ડે સહિતની અનેક ડિફોલ્ટર કંપનીઓ પાસે યસ બેન્કના હજારો કરોડ લેણા છે. આઇએલએન્ડએફએસ ગ્રૂપ પાસે યસ બેન્કના રૂપિયા ૨,૪૪૨ કરોડ બાકી છે. અનિલ અંબાણીના ગ્રૂપ પર યસ બેન્કનું ૧૩,૦૦૦ કરોડનું દેવું છે. એસ્સાર ગ્રૂપ પાસે ૩,૩૦૦ કરોડ બાકી છે.

એટીએમ ખોરવાયાં, સર્વર ડાઉન

ભારતીય રિઝર્વ બેન્કે છઠ્ઠી માર્ચે રાત્રે યસ બેન્ક પર નિયંત્રણો લાદતાં જ દેશના નાના-મોટા શહેરોમાં લાખો ખાતેદારો નાણાં ઉપાડવા માટે એટીએમ પર ઊમટી પડયાં હતાં. ભારે ધસારાના કારણે એટીએમ સર્વર ડાઉન થઈ ગયાં હતાં અને ઓનલાઇન બેન્કિંગની સુવિધામાં પણ પરેશાનીનો સામનો કરવો પડયો હતો. એક થાપણદાર યોગેશ શર્માએ જણાવ્યું હતું કે, મેં એટીએમમાંથી નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એટીએમ બ્લોક છે. મનોજકુમારે કહ્યું હતું કે મારા પુત્રને મેડિકલ કોલેજના એડમિશન માટે રૂપિયા ૭.૫ લાખની જરૂર છે પરંતુ બેન્ક પૈસા આપી રહી નથી.

તિરુપતિ બચી ગયા, પણ જગન્નાથજીના નાણાં સલવાયા

આમ આદમીને પોતાના નાણાંની ચિંતા છે તો શ્રી જગન્નાથજી મંદિરના સંચાલકોને પણ બેન્કમાં મૂકેલા નાણાંની ચિંતા છે. યસ બેન્કમાં ભગવાન જગન્નાથજીના ૫૪૫ કરોડ રૂપિયા જમા છે. આર્થિક નિયંત્રણો પછી હવે આટલી રકમ બેન્કમાંથી કેવી રીતે પરત મેળવવી તે અંગે પુરીના જગન્નાથ મંદિરના પૂજારી અને ભક્તો ચિંતિત છે.
ભક્તોએ આ મામલે મુખ્ય પ્રધાન નવીન પટનાયકને હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)એ થોડાક દિવસ પહેલાં જ યસ બેન્કમાંથી ૧૩૦૦ કરોડ રૂપિયા ઉપાડી લીધાં હતાં. તેલુગુ દેશમ પાર્ટીની સરકાર સત્તામાં હતી ત્યારે તિરુપતિ મંદિરના નાણાં ચાર પ્રાઇવેટ બેન્કમાં રોકાયા હતા, જેમાંની એક યસ બેન્ક હતી.

યસ બેંકને બચાવવા સ્ટેટ બેન્કના ગળે રૂ. ૧૨ હજાર કરોડનો ઘંટઃ ભારતીય રિઝર્વ બેન્કનો સૂચિત પ્લાન

સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયાએ રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે ત્યારે યસ બેન્કને બચાવવા રિઝર્વ બેન્કે રજૂ કરેલો સૂચિત પ્લાન
• બેન્કના કર્મચારીને એક વર્ષ નોકરીમાં યથાવત્ રખાશે. • રિઝર્વ બેંક રિ-કન્સ્ટિટયૂટેડ બેંકમાં ઓથોરાઇઝડ કેપિટલ ૫,૦૦૦ કરોડ રાખવા માગે છે. ૨ રૂપિયાની ફેસવેલ્યૂ (પ્રીમિયમ ૮ રૂપિયા) ધરાવતા ૨૪,૦૦૦ કરોડ ઈક્વિટી શેર ઈશ્યૂ કરાશે, જેની કિંમત રૂ. ૪૮,૦૦૦ કરોડ હશે. • ત્રણ વર્ષમાં નવી બેંકમાં કેપિટલ રોકાણ થાય ત્યાં સુધી ઈન્વેસ્ટર બેંકનું નવી યસ બેંકમાં હોલ્ડિંગ ૨૬ ટકા કરતાં ઓછું નહીં હોય. આમ ઈન્વેસ્ટર બેન્ક (એસબીઆઈ)એ હિસ્સો હસ્તગત કરવા નવી બેન્કમાં રૂ. ૧૧૭૬૦ કરોડ ઠાલવવા પડશે. • કેપિટલ રોકાણ બાદ નવી રિકન્સ્ટ્રક્ટેડ બેંકમાં ઈન્વેસ્ટર બેંકનું રોકાણ ૪૯ ટકા રહેશે. • રિકન્સ્ટ્રક્ટેડ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે કોઈ પણ કી મેનેજરિયલ પર્સોનેલને નોકરીમાંથી દૂર કરવાની સ્વતંત્રતા રહેશે. • નવી બેંકને નવી શાખાઓ ખોલવા અને જૂની શાખાઓને બંધ કરવાનો અધિકાર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter