યાદવ પરિવારનો રાજકીય ફેમિલી ડ્રામા

Wednesday 26th October 2016 09:06 EDT
 
 

લખનઉઃ સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા યાદવ પરિવારનો ગજગ્રાહ સોમવારે જાહેરમાં ખુલ્લો પડ્યો હતો. મુલાયમ સિંહ યાદવે જંગે ચડેલા ભાઈ શિવપાલ, પુત્ર અખિલેશ વચ્ચે સમાધાન કરાવવાના આશયથી બોલાવેલી બેઠક હકીકતમાં એકબીજા સામે શક્તિપ્રદર્શનનું સ્થળ બની ગઈ હતી. બેઠકમાં મુલાયમ સિંહે પિતાની હેસિયતથી અખિલેશને ભેટવાનો આદેશ આપ્યો હતો. જોકે ભેટ્યા બાદ ચાચા ભતીજા વચ્ચે મંચ પર જ આમનેસામને આવી ગયા હતા. મુલાયમે મંચ પરથી અખિલેશની યુવા બ્રિગેડને પરખાવ્યું હતું કે, યુવાનેતાઓ એમ માને છે કે તેઓ ગુંડા છે પરંતુ સૌથી મોટો ગુંડો હું છું. મુલાયમે શિવપાલ અને અમર સિંહનો પક્ષ લેતાં જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન બન્યા બાદ અખિલેશના મગજમાં રાઈ ભરાઈ ગઈ છે.
શિવપાલે બેઠકમાં જણાવ્યું કે મુલાયમ સિંહે રાજ્યનું નેતૃત્વ સંભાળી લેવું જોઈએ. હું મારા પુત્ર અને ગંગાજળની કસમ ખાઈને કહું છું કે અખિલેશે અલગ પાર્ટી બનાવવાની ધમકી આપી હતી. મેં સાઈકલ પર ગામેગામ જઈ પાર્ટીને મજબૂત બનાવવા સંઘર્ષ કર્યો છે.
જવાબમાં અખિલેશે રડતાં રડતાં જણાવ્યું હતું કે હું નવી પાર્ટી શા માટે બનાવીશ? જો નેતાજી કહેશે તો હું સીએમ પદેથી રાજીનામું આપી દઈશ. મારા બાળકના સમ ખાઈને કહું છું કે, મેં નવી પાર્ટીની વાત કરી નથી. આ બધાં કાવતરાં અમરસિંહનાં છે. અમરસિંહે ટ્વિટ કર્યું હતું કે, ત્રણ મહિનામાં યુપી સરકારમાં મોટો બદલાવ આવશે અને નવેમ્બરમાં અખિલેશ મુખ્ય પ્રધાન નહીં રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter