નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને શુક્રવારે મોડી સાંજે અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા વિચારણા કરી હતી. આ દરમિયાન ‘ક્વાડ’ના માધ્યમથી મુક્ત વ્યાપાર સમજૂતીથી લઈને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં ભારતને કાયમી સભ્યપદનું સમર્થન કરવા તથા ચંદ્રયાન-3ની સફળતા પર ઇસરોને વધાઈ આપવા સહિતના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રસ્થાને હતા.
વડાપ્રધાન મોદીની અમેરિકાની સત્તાવાર મુલાકાતના ત્રણ મહિના બાદ અમેરિકન પ્રમુખ તરીકે જો બાઇડેને ભારતની પ્રથમ મુલાકાત લીધી છે. ફેબ્રુઆરી 2020માં ભારતનો પ્રવાસ કરનારા છેલ્લા અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હતાં. અહેવાલો અનુસાર આ ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદી અને પ્રમુખ જો બાઇડેને મુક્ત અને ખુલ્લા, હિંદ-પ્રશાંતનું સમર્થન કરવામાં ક્વાડ સમૂહના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
બેઠક બાદ એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વૈશ્વિક શાસન વધુ સમાવેશી અને પ્રતિનિધિક હોવું જોઈએ. જો બાઇડેને યુએનએસસીમાં સુધારા માટે પોતાના સમર્થનની પુષ્ટિ કરી હતી, કે જેમાં ભારત એક કાયમી સભ્ય હોય. આ સાથે તેમણે આ સંદર્ભમાં UNSCમાં 2028-29 માટે ભારતની બિન-કાયમી બેઠકની દાવેદારીનું સ્વાગત કર્યુ હતું.
બન્ને દેશોએ જણાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં હ્યુમન સ્પેસ ફ્લાઇટ માટે એક વ્યૂહાત્મક માળખું તૈયાર કરવા ચર્ચા શરૂ કરી દેવાઈ છે. બન્ને દેશ 2024માં એક ભારતીય અંતરિક્ષ યાત્રીને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર મોકલવાની યોજના બનાવી રહ્યા છે.