વોશિંગ્ટનઃ ભારતીય વિદ્યાર્થી જે. જે. કપુર અમેરિકાની સૌથી મોટી નેશનલ સ્પીચ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યો છે. ઓરિજીનલ ઓરેટરની કેટેગરીમાં પંજાબી મૂળના આ વિદ્યાર્થીએ ‘લેટ્સ ડાન્સ’ નામના વિષયમાં સામાજિક મુદ્દા રસપ્રદ રીતે ઉઠાવ્યાં હતાં.
પંજાબથી અમેરિકા સ્થાઈ થયેલા પરિવારમાં જન્મેલો જે. જે. કપુર અત્યારે લોવાના પશ્વિમ ડેસ મોઈન્સ નામના શહેરની એક શાળામાં અભ્યાસ કરે છે. તેની સ્કૂલ વતી નેશનલ સ્પીચ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એમાં તેણે લેટ્સ ડાન્સના વિષય અંતર્ગત શીખ કોમ્પ્યુનિટીને આતંકવાદી સમજીને જે રીતે સતામણી થાય છે એ સામાજિક મુદ્દો ઉઠાવ્યો હતો. તેની રજૂઆતની શૈલી અને વિષયનું ઊંડાણ એટલું મજબૂત હતું કે જ્યૂરી મેમ્બર્સે તેને સેમિ ફાઈનલમાં પ્રથમ ક્રમ આપ્યો હતો. એ પછી ફાઈનલમાં પણ અસંખ્ય વિદ્યાર્થીઓ વચ્ચે તેને પ્રથમ રેન્ક મળ્યો હતો. કપૂરે જણાવ્યા પ્રમાણે તેનો જન્મ પંજાબથી અમેરિકામાં આવેલા શીખ પરિવારમાં થયો છે.
૨૦૦૧માં અમેરિકામાં આતંકી હુમલો થયો ત્યારે તેની ઉંમર બે વર્ષની હતી. તેના પિતાનો દેખાવ સ્હેજ ઓસામા બિન લાદેનને ચહેરા જેવો દેખાતો હતો. એ કારણે તેમને અમેરિકામાં ખૂબ સહન કરવું પડયું છે. તેણે પોતાની સ્પીચમાં ઓસામા બિન લાદેનના અને તેના પિતાના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા. તેણે કહ્યું હતું કે ૯/૧૧ના હુમલા પછી તેની જનરેશનને અમેરિકામાં ખુબ ખરાબ અનુભવ થઈ રહ્યો છે. આ બાબતે લોકોમાં જાગૃતિની ખાસ જરૂર છે.
જે. જે. કપુરને ચેમ્પિયન તરીકે પ્રાઇઝ મની અને ટ્રોફીથી સન્માનિત કરાયો છે. ઓરિજીનલ ઓરેટરની કેટેગરીમાં તેના વિષયની અને રજૂઆતની ચોમેર પ્રશંસા થઈ હતી. ૧૮-૧૯ વર્ષના છોકરાએ જે ઊંડાણથી સામાજિક મુદ્દાને સ્પર્શ્યો છે તેની અમેરિકન મીડિયાએ પણ પ્રશંસા કરી છે.