યુએસ ભારતીય ગોલ્ડ જ્વેલરીનું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ બન્યું

ચાઈનીઝ જ્વેલરી પર વધારાની ટેરિફ લદાતા ભારતીય નિકાસકારોને મોટો લાભ

Tuesday 24th January 2023 11:44 EST
 
 

નવી દિલ્હીઃ ભારતીયો સોનાના ચાહક છે અને ઘરેણાં બનાવવાં, પહેરવા અને સંગ્રહવાનો વિશિષ્ટ શોખ રહ્યો છે. સોનાની જ્વેલરીની વાત કરીએ તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના રિપોર્ટ મુજબ ભારતીય જ્વેલરી માટે યુએસ સૌથી મોટું નિકાસબજાર બની ગયું છે અને યુનાઈટેડ આરબ અમીરાત (UAE) આ બાબતે બીજા ક્રમે આવી ગયું છે. યુએસ દ્વારા ચાઈનીઝ જ્વેલરી પર વધારાની ટેરિફ લદાઈ હોવાથી સ્પર્ધાત્મક ભારતીય નિકાસકારોને તેનો સારો લાભ મળી રહ્યો છે. બીજી તરફ, યુએઈ દ્વારા 2017માં 5 ટકાની ઈમ્પોર્ટ ડ્યૂટી તેમજ 2018માં 5 ટકાના વેલ્યુ એડેડ ટેક્સ (VAT)ના અમલના પરિણામે, તેની સ્પર્ધાત્મકતા પર નકારાત્મક અસર ઉભી થઈ છે.

WGCના જણાવ્યા મુજબ મે 2022માં કરાયેલા કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) હેઠળ યુએઈમાં મોકલાતાં 90 ટકા ભારતીય માલને ડ્યૂટી-ફ્રી એક્સેસ અપાવાની છે. યુએઈમાં વેચાયેલા માલસામાનની પુનઃનિકાસ કરાતી હોવાથી ભારતના ગોલ્ડ જ્વેલરીના નિકાસોમાં ગણનાપાત્ર વધારો થયો છે અને હજુ પણ વધારો થતો રહેશે. ભારત સરકાર ઉત્પાદન અને નિકાસને વધારવા ઉત્સુક હોવાથી જ્વેલરીની નિકાસ પણ વધવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયાપારના કિંમતી ધાતુના સપ્લાયર્સને એડવાન્સ પેમેન્ટ્સની છૂટ આપવાની તેમજ મુંબઈ અને સુરતમાં સાન્તાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન્સ (SEEPZ)માં મહાકાય કોમન ફેસિલિટી સેન્ટર્સ (CFCs) સ્થાપવાની પણ દરખાસ્તો છે જેનો અમલ થશે તો આ સેક્ટરના વિકાસને ઉત્તેજન મળશે તેમ કાઉન્સિલનું કહેવું છે. ગોલ્ડ માઈનિંગ કંપનીઓની લોબી સંસ્થાના કહેવા મુજબ CFCs થકી શ્રેષ્ઠ પ્રેક્ટિસને પ્રોત્સાહન મળશે તેમજ અત્યાધુનિક મશીનરીઝ નાના ઉત્પાદકોને ટેકનોલોજી અને સ્રોતો મેળવવાની સુવિધા આપશે. ભારતીય ક્વોલિટી અને કારીગરીને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સનો પૂરતો સાથ મળશે તો ભારતના ગોલ્ડ જ્વેલરીના માર્કેટનું ભાવિ ઉજ્જવળ બની રહેવામાં કોઈ શંકા નથી.

WGCના રિપોર્ટ મુજબ ભારત વિશ્વમાં સોનાનું સૌથી મોટું બીજાં ક્રમનું બજાર હોવાં છતાં, ગોલ્ડ સેક્ટરને નિયંત્રણકારી ફેરફારો અને ગ્રાહકોના સતત બદલાતા વલણોનો સામનો કરવો પડે છે. ગોલ્ડ જ્વેલરીને વધુ પડકારોનો સામનો પણ કરવો પડશે. બદલાતી વસ્તીઓ અને અન્ય વૈભવી આઈટમ્સ પ્રત્યે ધ્યાન આકર્ષિત થવાથી સોના તરફથી લોકો અન્યત્ર વળે તે શક્યતા અવગણી શકાય નહિ. આ તમામ અવરોધો છતાં, વિદેશમાં મજબૂત આર્થિક વિકાસ અને શહેરીકરણ, આવકો અને મધ્યમ વર્ગમાં વધારો થવા સાથે ગોલ્ડ જ્વેલરીની માગને પણ વૃદ્ધિનો લાભ મળશે. વધુ અને વધુ લોકો ગરીબીમાંથી બહાર આવશે તેનો લાભ ગોલ્ડ જ્વેલરીની માગને મળશે તેમ WGCનો રિપોર્ટ કહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter