યુએસ વિસા નિયમો બદલશેઃ ભારતીયોને સૌથી વધુ મુશ્કેલી

Thursday 27th September 2018 06:39 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ઓબામા શાસન દરમિયાન લાગુ કરાયેલા નિયમનો સૌથી મોટો લાભ મેળવનાર ભારતીય મહિલાઓને સીધી અસર કરે તેવો નિર્ણય ટ્રમ્પ સરકાર દ્વારા લેવાઈ રહ્યો છે. ટ્રમ્પ સરકારે ફેડરલ કોર્ટને જણાવ્યું છે કે, H4 વિઝાધારકોની વર્કપરમિટ રદ કરવાનો નિર્ણય ત્રણ મહિનામાં લેવાશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં H1B વિઝાધારકોના જીવનસાથી અને ૨૧ વર્ષથી ઓછી વયનાં સંતાનોને H4 વિઝા આપવામાં આવે છે. આ વિઝા અંતર્ગત તેમને વર્ક પરમિટ અપાતી હોય છે, જેથી તેઓ અમેરિકામાં કાયદેસર રીતે નોકરી કરી શકે છે. ૨૧ સપ્ટેમ્બરે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ) દ્વારા અદાલતમાં કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અમે H1B વિઝાધારકોના પરિવારજનોને H4 વિઝા અંતર્ગત મળતી વર્કપરમિટની જોગવાઈ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ. આ દિશામાં નક્કર અને ઝડપી પગલાં લેવામાં આવી રહ્યાં છે. નવા નિયમો આગામી ત્રણ મહિનામાં વ્હાઇટ હાઉસની બજેટ મેનેજમેન્ટ ઓફિસને સોંપી દેવાશે.
ડીએચએસે નવા નિયમો સરકારને સોંપાય નહીં ત્યાં સુધી અમેરિકી કામદારોનું પ્રતિનિધિત્વ કરતી સેવ-જોબ્સ યુએસએ સંસ્થા દ્વારા દાખલ કરાયેલી અરજી પરનો નિર્ણય સ્થગિત રાખવા અપીલ કરી છે. આ સંસ્થાનો દાવો છે કે, અગાઉની ઓબામા સરકાર દ્વારા શરૂ કરાયેલી નીતિને કારણે અમેરિકનો નોકરી ગુમાવી રહ્યાં છે.

સૌથી વધુ અસર ભારતીયોને

ઓબામા શાસન દરમિયાન લેવાયેલો નિયમ નાબૂદ થવાથી સૌથી વધુ અસર ભારતીયો પર પડવાની છે. ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં અમેરિકન ઇમિગ્રેશન વિભાગે H4 વિઝાધારકોની રોજગાર માટેની ૧,૨૬,૮૫૩ અરજીને મંજૂરી આપી હતી.
મે ૨૦૧૫માં નિયમ લાગુ થયા બાદ આ તમામ મંજૂરી અપાઈ હતી. જેમાંથી ૯૦,૯૪૬ પ્રારંભિક મંજૂરી, ૩૫,૨૧૯ રિન્યૂઅલ્સ અને ૬૮૮ રિપ્લેસમેન્ટ અરજીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે H4 વિઝા અંતર્ગત અપાતી ૯૩ ટકા વર્કપરમિટ ભારતીયો મેળવે છે. પાંચ ટકા વર્કપરમિટ ચીની નાગરિકોને મળે છે.
અમેરિકામાં દર વર્ષે સૌથી વધુ H1B વીઝા ભારતીય વ્યાવસાયિકોને ફાળવવામાં આવે છે. તેના પગલે સૌથી વધુ H4 વીઝા પણ ભારતીયોના હિસ્સે જ આવે છે. આ વીઝાથી તેમને અમેરિકામાં પણ કાયદેસર રોજગાર મળી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter