યુદ્ધ સમયે ભારતથી ચીન-પાક. ભાગી જનારાની સંપત્તિ જપ્ત થશેઃ સર્વે શરૂ

Saturday 11th March 2023 00:15 EST
 

નવી દિલ્હીઃ ભારતમાં પહેલી વખત દુશ્મનોની સંપત્તિનો સર્વે થવા જઇ રહ્યો છે. સર્વે બાદ આ સંપત્તિઓ દ્વારા સરકાર કમાણી કરવાનો રસ્તો કાઢશે, 20 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારત સરકાર દ્વારા નેશનલ સર્વે ઓફ એનીમી પ્રોપર્ટી લોન્ચ કરવામાં આવ્યો છે. યુદ્ધ બાદ ચીન અને પાકિસ્તાની નાગરિક્તા મેળવી હોય તેવા લોકોની સંપત્તિને આ સરવે દરમિયાન શોધી કાઢવામાં આવશે.
હાલ ડાયરેક્ટર જનરલ ઓફ ડિફેન્સ એસ્ટેટ્સ આ સમગ્ર પ્રક્રિયામાં કામ કરી રહ્યું છે. સરકાર યુદ્ધ સમયે ચીન અને પાકિસ્તાનની નાગરિક્તા લઈ લીધી હોય તેવા લોકોની યાદી તૈયાર કરી રહી છે. આવા લોકોની હાલ ભારતમાં જે પણ સંપત્તિ હશે તેને સરકાર પોતાના કબજામાં લેશે અને તેનો ઉપયોગ સરકારી કામગીરી માટે કરવામાં આવશે. હાલ દેશમાં આવી આશરે 12 હજારથી વધુની સંપત્તિ છે.
ગૃહ મંત્રાલય હેઠળ આ કામ માટે કસ્ટોડિયન ઓફ એનીમી પ્રોપર્ટીઝ ફોર ઈન્ડિયા બનાવવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે લોકોના પાકિસ્તાન અને ચીન ગયા બાદ તેમની સંપત્તિ હાલ ભારતમાં લાવારીસ હાલતમાં છે. જે 12611 સંપત્તિ છે તેમાં 12485 સંપત્તિ પાકિસ્તાની નાગરિકની છે. જ્યારે 126 ચીની નાગરિકોની છે. મોટાભાગની આવી સંપત્તિ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં છે.
સરકારને એવી આશા છે કે આ સંપત્તિથી એક લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ શકે છે. સીઆઈપીઆઈએ 2018-19માં પણ આ સંપત્તિથી ધન મેળવ્યું હતું. 152 કંપનીઓમાં તેનું રોકાણ કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી રોકાણ દ્વારા સરકાર આવી સંપત્તિઓથી કમાણી કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter