યુદ્ધની આડઅસર... દુબઇના 250 બિલિયન ડોલરના પ્રોપર્ટી માર્કેટની ચમક ઝંખવાશે

Tuesday 10th March 2026 15:24 EDT
 
 

અમદાવાદઃ રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા દુબઈના આ માર્કેટના આકર્ષણ સામે પ્રશ્ન તો ઊભો થયો જ છે, સાથે સાથે અત્યાર સુધીમાં જે લોકોએ રોકાણ કર્યું છે તેમના રોકાણના મૂલ્યમાં ઘટાડો થાય એવી પણ ભીતિ ઊભી થઈ છે. હજી તો યુદ્ધ શરૂ થયાને દસેક દિવસ જ થયા હોવાથી આ માર્કેટના હિતધારકોમાં કોઈ મોટી ચિંતા ઊભી થઇ નથી, પરંતુ સોદા જરૂર અટકી ગયા છે.

દુબઇના રિઅલ એસ્ટેટ માર્કેટના ટોચના ખેલાડીઓ જણાવે છે કે જો આ યુદ્ધ લાંબું ચાલ્યું તો રિયલ્ટી માર્કેટની માંગમાં ચોક્કસપણ ઘટાડો થશે અને ખાસ કરીને અત્યાર સુધી આ બજારે આપેલા રિટર્નથી આકર્ષાઇને જે વિદેશી રોકાણકારો તેમાં રોકાણ કરતાં આવ્યા છે તેઓ હવે નવું રોકાણ કરતાં સો વાર વિચાર કરશે જેના પગલે આ બજારની માંગમાં ઘટાડો થઇ શકે છે. માંગમાં ઘટાડો થતાં તેની સીધી અસર ભાવો પર પડી શકે છે અને બજારમાં મંદી હાવી થઇ શકે છે.

ભારતના લક્ઝરી હોમ્સ માર્કેટ પર પણ વિપરીત અસરની શક્યતા

બીજી તરફ, ગલ્ફ NRI પર નિર્ભર ભારતના લકઝરી હોમ્સના માર્કેટ પર પણ વિપરીત અસરની શક્યતા છે. દુબઇના જ નહીં ભારતના લકઝરી હોમના માર્કેટમાં પણ હાલમાં મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે મંદી ઘેરી બને એવી શક્યતા છે હાલમાં આમ તો આ માર્કેટમાં મંદીનો દોર તો ચાલે જ છે, પરંતુ આ માર્કેટનો મોટો આધાર મિડલ ઇસ્ટમાં વસતા ભારતીયો પર છે. આવા ભારતીયોની સંખ્યા આશરે 90 લાખ જેટલી છે અને તેઓ રોકાણ માટે ભારતના લકઝરી હોમ્સ માર્કેટને પસંદ કરે છે.
જોકે હવે યુદ્ધની પરિસ્થિતિને કારણે તેમની આવક ઘટે અને સાથે સાથે તેઓ રોકાણ અંગેના નિર્ણયો સાવચેતી સાથે કરે એવી શક્યતા નકારી શકાય એમ નથી. આથી આ બાબતની વિપરીત અસર ભારતના લકઝરી હોમ્સના માર્કેટ પર પડે એવી વકી છે.
દુબઈના રિયલ્ટી માર્કેટમાં ભારતીય પરિવારોનો 22 ટકા હિસ્સો દુબઈના રિયલ્ટી માર્કેટનું કુલ વાર્ષિક કદ 250 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે, અને આ બજારમાં જે કુલ ખરીદી થાય છે. તેમાં 20થી 22 ટકા ખરીદી ભારતીય પરિવારો દ્વારા કરવામાં આવે છે એમ એક અહેવાલ જણાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter