યુપી ઇન્વેસ્ટર્સ સમિટની ફળશ્રુતિઃ રાજ્યમાં રૂ. 80,000 કરોડના 1,406 પ્રોજેક્ટ્સનો આરંભ

Wednesday 08th June 2022 13:12 EDT
 
 

લખનઉ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકાયેલી ત્રીજી ઇન્વેસ્ટર્સ સમિટ ઉત્તર પ્રદેશને ભરપૂર ફળી છે. રાજ્યમાં રૂ. 80,000 કરોડથી વધુના 1,406 પ્રોજેક્ટ્સનો આરંભ થયો છે. આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરતાં વડા પ્રધાને કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે 21મી સદીમાં ઉત્તર પ્રદેશ ભારતની વૃદ્ધિગાથાનું નેતૃત્વ કરશે. ઉત્તર પ્રદેશમાં મૂડીરોકાણ કરનારા કોર્પોરેટ દિગ્ગજોમાં અદાણી જૂથ, બિરલા જૂથ વગેરેનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી ઈન્વેસ્ટર્સ સમિટની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીમાં જણાવ્યું હતું કે, હું રોકાણકારોને ધન્યવાદ આપું છું, કારણ કે તેમણે ઉત્તર પ્રદેશની યુવા શક્તિ પર વિશ્વાસ કર્યો છે. તમારા સપના અને સંકલ્પોને નવી ઊંચાઈ, નવી ઉડાન આપવાનું સમાર્થ્ય ઉત્તર પ્રદેશના યુવાનોમાં છે. દુનિયા આજે જે વિશ્વસનીય સાથીને શોધી રહી છે તેના પર ખરા ઉતરવાનું સામર્થ્ય માત્ર આપણા લોકતાંત્રિક ભારત પાસે છે. ઉત્તર પ્રદેશ 21મી સદીમાં ભારતની વિકાસ યાત્રાને આગળ વધારશે.
તેમણે ઉમેર્યું કે ઉત્તર પ્રદેશમાં 80,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત સમજૂતીઓ થઈ છે. આ વિક્રમી રોકાણ મારફત ઉત્તર પ્રદેશમાં 1,406 પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. આ યોજનાઓમાં કૃષિ અને સંબંદ્ધ ક્ષેત્ર, આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ, એમએસએમઈ, અક્ષય ઊર્જા, પ્રવાસન, સંરક્ષણ અને એરોસ્પેસ વગેરેનો સમાવેશ થાય છે.
100થી વધુ દેશોમાંથી વિદેશી મૂડીરોકાણ
વડા પ્રધાને જણાવ્યું હતું કે, આપણે જી20 અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. આજે ભારત ગ્લોબલ રિટેલ ઈન્ડેક્સમાં બીજા નંબરે છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એનર્જી કન્ઝ્યુમર દેશ છે. ગયા વર્ષે દુનિયાના 100થી વધુ દેશોમાંથી 84 બિલિયન ડોલરનું વિક્રમી એફડીઆઈ આવ્યું છે. ભારતે ગયા નાણાકીય વર્ષમાં 417 બિલિયન ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાથી વધુના સામાનની નિકાસ કરીને નવો વિક્રમ સર્જ્યો છે.
વડા પ્રધાને કહ્યું કે, આપણે આપણા સુધારાઓથી એક રાષ્ટ્રના રૂપમાં ભારતને મજબૂતી આપવાનું કામ કર્યું છે. વન નેશન વન ટેક્સ જીએસટી હોય, કે વન નેશન વન ગ્રીડ હોય, વન નેશન વન મોબિલિટી કાર્ડ હોય કે વન નેશન વન રેશન કાર્ડ હોય આ બધા પ્રયાસ અમારી નક્કર અને સ્પષ્ટ નીતિઓનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે ભારતમાં આજે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ પર જેટલો ભાર અપાઈ રહ્યો છે, તેટલો પહેલાં ક્યારેય નહોતો અપાયો. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપણે ભારે હિંમત સાથે નિર્ણય કર્યો છે. આપણે 300થી વધુ એવી વસ્તુઓ નિશ્ચિત કરી છે, જેની હવે વિદેશમાંથી આયાત કરવામાં
આવશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter