યુપીએસસી પરીક્ષા પાસ કરનારી શ્રીધન્યા પ્રથમ આદિવાસી મહિલા

Friday 26th April 2019 06:41 EDT
 
 

કેરળઃ આ વખતની યુપીએસસી પરીક્ષામાં કેટલીય સંઘર્ષગાથાઓ બહાર આવી છે. તેમાંની એક છે, કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની ૨૫ વર્ષીય શ્રીધન્યા સુરેશ. આ યુવતી યુપીએસસી પરીક્ષા પાસ કરનારી પ્રથમ આદિવાસી મહિલા છે.
શ્રીધન્યાએ યુપીએસસીની પરીક્ષાના ત્રીજા પ્રયાસમાં ઓલ ઇન્ડિયા લેવલે ૪૧૦મો ક્રમાંક મેળવ્યો છે. આ સફળતાની ખુશી વર્ણવતાં શ્રીધન્યાએ કહ્યું, હું ખૂબ ખુશ છું. જ્યારે હું આઇએએસ અધિકારી બનીશ, ત્યારે હું આદિવાસીઓમાં શિક્ષણનું સ્તર સુધરે એવા પ્રયત્નો કરીશ. શ્રીધન્યાના પિતા સુરેશ મજૂરીનું કામ કરે છે. તે ઉપરાંત તેઓ ગામના બજારમાં જ ધનુષ અને તીર વેચે છે. શ્રીધન્યાને ત્રણ ભાઈ-બહેનો છે, જેમની આજીવિકા ફક્ત પિતાની આવક પર આધારિત છે. તેમના પિતાએ મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી યોજના (મનરેગા)માં મજૂરી કરી બાળકોને ઉછેર્યાં છે. તેમના જીવનમાં આટલી મુશ્કેલીઓ હોવા છતાં તેમણે ક્યારેય બાળકોના શિક્ષણ માટે સમાધાન ન કર્યું. પૈસાની અછત હોવા છતાં તેમણે બાળકોને ભણાવ્યાં અને તેનું પરિણામ આજે તેમની સામે છે. શ્રીધન્યાએ સેન્ટ જોસેફ કોલેજમાંથી પ્રાણીશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ કાલીકટ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.
અનુસૂચિત જનજાતિ વિકાસ વિભાગમાં ક્લાર્ક
ભણવાનું પૂરું થયા બાદ શ્રીધન્યા કેરળની અનુસૂચિત જનજાતિ વિકાસ વિભાગમાં એક ક્લાર્ક તરીકે કામ કરવા લાગી. ત્યારબાદ તે વાયનાડ જિલ્લામાં જ આદિવાસી હોસ્ટેલની વોર્ડન બની ગઈ. વાયનાડના કલેક્ટર શ્રીરામ સમશિવા રાવને જોઇને શ્રીધન્યાને કલેક્ટર બનવાની પ્રેરણા મળી. કલેક્ટરે પણ શ્રીધન્યાને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવા માટે પ્રોત્સાહન આપ્યું. ત્યારબાદ શ્રીધન્યા કોચિંગ માટે તિરુવનંતપુરમ જતી રહી. ત્યાં તેણે આ પરીક્ષાની તૈયારી કરી અને ત્રીજા પ્રયાસમાં તેણે સફળતા પ્રાપ્ત કરી.
આદિવાસી સમુદાય માટે કામ કરવાની ઇચ્છા
સિવિલ સર્વિસિસ પરીક્ષામાં પસંદગી પામ્યા પછી શ્રીધન્યા હવે પોતાના આદિવાસી સમુદાયના લોકો માટે કામ કરવા માગે છે. આ વિશે તે કહે છે, હું રાજ્યના સૌથી પછાત જિલ્લામાંથી આવું છું. અહીં બહોળા પ્રમાણમાં આદિવાસી વસતી હોવા છતાં કોઈ આદિવાસી આઇ.એ.એસ. અધિકારી બન્યું નથી. અહીં બહુ ઓછા લોકો સિવિલ સર્વિસિસ પરીક્ષા અંગે સભાન છે. હું આશા રાખું છું કે લોકો હવે આ પરીક્ષા માટે તૈયારી કરશે અને સફળ પણ થશે.' શ્રીધન્યાએ પોતાનું સપનું પૂરું કરીને આકાશ તો આંબી જ લીધું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter