બેંગ્લૂરુઃ ‘ભારત મારા પિતાનો દેશ છે. મને યુરોપના કોઈ દેશના પ્રથમ ભારતવંશી વડા પ્રધાન બનવાનો ગર્વ છે. હું ઇચ્છું છું કે પોર્ટુગલ અને ભારત વચ્ચે નવા અને મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી થાય.’ આ શબ્દો છે પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાના. રવિવારે આઇટી મહાનગર બેંગ્લૂરુમાં ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ સમારોહના મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતાં તેમણે આ શબ્દો કહ્યા હતા.
સાદગીપૂર્ણ જીવન માટે જાણીતા ડો. કોસ્તા ‘લિસ્બનના ગાંધી’ તરીકે પણ ઓળખાય છે. તેમણે ભારત સાથે જોડાયેલી યાદોને તાજી કરતા જણાવ્યું હતું કે, ‘મારા પૂર્વજો ગોવાના હતા. હું ગોવા પણ જઈશ. પોર્ટુગલમાં ભારતીય સમુદાય ખૂબ હળીમળીને રહે છે. હવે તેમની જવાબદારી છે કે તેઓ જે દેશમાં રહે છે તે દેશના ભારત સાથેના સંબંધો મજબૂત કરવામાં મદદ કરે.’ કોસ્તાએ ઉમેર્યું હતું કે પોર્ટુગલ પૂરી દુનિયા માટે ખુલ્લો દેશ છે. રોકાણકારોનું ખુલ્લા દિલે સ્વાગત છે. બ્રિટનથી લઈને આફ્રિકન અને લિટન અમેરિકા સુધીના ૧૨૧ દેશો સાથે પોર્ટુગલનો સીધો સંપર્ક છે.
ડો. એન્ટોનિયો કોસ્તાનું ભારત કનેક્શન
એન્ટોનિયો કોસ્તાનો જન્મ પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં ૧૯૬૧ની ૧૭ જુલાઈએ થયો હતો. તેઓ તાજેતરમાં યુએનના મહાસચિવ બન્યા છે. તેમના પિતા ઓરલેન્ડો કોસ્તા જાણીતા નવલકથાકાર હતા જ્યારે દાદા લુઇસ અફોન્સો મારિયા ડી’કોસ્તા ગોવામાં જન્મ્યા-ઉછર્યા હતા. તેઓ સારસ્વત બ્રાહ્મણ હતા, પણ ગોવામાં પોર્ટુગીઝોના શાસન દરમિયાન તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.