યુવાન પ્રજ્ઞાચક્ષુ સોફ્ટવેર એન્જિનિયરે માઇક્રોસોફ્ટમાં મેળવી જોબ

Friday 09th September 2022 06:38 EDT
 
 

ઈન્દોર: મધ્ય પ્રદેશના 25 વર્ષીય અંધ સોફ્ટવેર એન્જિનિયરને આઇટીની અગ્રણી કંપની માઇક્રોસોફ્ટ તરફથી 47 લાખ રૂપિયાનું સેલેરી પેકેજ મળ્યું છે. યસ સોનકિયાએ 2021માં ઇન્દોર સ્થિત શ્રી ગોવિંદરામ સકસેરિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (એસજીએસઆઇટીએસ)માંથી બીટેકની ડિગ્રી મેળવી છે. તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલા યશને માઇક્રોસોફ્ટ તરફથી વાર્ષિક 47 લાખ રૂપિયાના પગારની નોકરી મળી છે.
આ અંગે યશે જણાવ્યું હતું કે તેણે આ ઓફર સ્વીકારી લીધી છે અને તે ટૂંક સમયમાં કંપનીની બેંગલૂરુ ઓફિસમાં નોકરી શરૂ કરશે. જોકે શરૂઆતમાં તેને વર્ક ફ્રોમ હોમ કરવા માટે જણાવવામાં આવ્યું છે. યશ જ્યારે માત્ર આઠ વર્ષનો હતો ત્યારે ગ્લુકોમાને કારણે તેની દ્રષ્ટિ જતી રહી હતી. તેણે સ્ક્રીન રીડર સોફ્ટવેરની મદદથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ દરમિયાન તેણે કોડિંગ શીખીને માઇક્રોસોફ્ટમાં અરજી કરી હતી. યશે કહ્યું હતું કે ઓનલાઇન પરીક્ષા અને વિગતવાર ઇન્ટરવ્યુ પછી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે.
યશ સોનકીયાના પિતા કેટરિંગનું કામ કરે છે અને શહેરમાં એક કેન્ટીન ચલાવે છે. યશને જન્મની સાથે જ ગ્લુકોમાની બીમારી હતી. જેના કારણે તેને શરૂઆતથી જ ઓછું દેખાતું હતું. જોકે આઠ વર્ષની ઉંમરે તેને દેખાવાનું સંપૂર્ણ બંધ થઇ ગયું હતું. આમ છતાં તેણે હિંમત હારી નહીં અને અભ્યાસ પૂર્ણ કરીને જ્વલંત સફળતા હાંસલ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter