યોગી સરકારની બીજી ટર્મઃ ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ શર્મા સહિત ત્રણ નાયબ મુખ્ય પ્રધાન, 49 પ્રધાન

Thursday 24th March 2022 16:22 EDT
 
 

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં સરકારની રચના અંગે ચાલતી કવાયત વચ્ચે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસે ભાજપના ટોચના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ સહિતના ચાર રાજ્યોમાં સરકારની રચના અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ૨૫મી માર્ચે વડા પ્રધાન મોદીની હાજરીમાં ઈકાના સ્ટેડિયમમાં મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
આ સાથે તેમના મંત્રીમંડળમાં સ્વતંત્રદેવ સિંહ, ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ અધિકારી એ.કે. શર્મા અને અસીમ અરુણને નાયબ મુખ્ય મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગામી સરકારમાં ત્રણ નાયબ મુખ્યમંત્રીઓ સહિત કુલ બાવન મંત્રીઓ હશે. નાયબ મુખ્ય મંત્રી તરીકે ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી એ.કે. શર્મા અને સ્વતંત્રદેવ સિંહની પસંદગી કરવામાં આવી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. આ સિવાય સિરાથુ બેઠક પરથી હારી ગયેલા ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.
ભાજપની પરંપરાગત મત બેન્કો એવા કુશવાહા, શાક્ય, સૈની અને મૌર્ય મતદારોને સાધવા માટે પક્ષે હારી જવા છતાં કેશવ પ્રસાદ મૌર્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવા અંગે સંમતિ સધાઈ હોવાનું મનાય છે. આ સિવાય કોંગ્રેસમાંથી આવેલા જિતિન પ્રસાદને પણ યોગી સરકારની નવી કેબિનેટમાં સ્થાન મળવાની વ્યાપક સંભાવનાઓ છે. મંત્રીમંડળમાં નવા ચહેરાઓમાં ભૂતપૂર્વ એડીજી અસીમ અરુણનો નાયબ મુખ્યમંત્રી તરીકે સમાવેશ થઈ શકે છે. વધુમાં ઈડીના ભૂતપૂર્વ નિદેશક રાજેશ્વર સિંહ પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે.
યોગી મંત્રીમંડળમાં ભૂતપૂર્વ રાજ્યપાલ બેબીરાની મૌર્યને મોટી ભૂમિકા આપવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય મહિલાઓ તરીકે નવા ચહેરામાં અદિતિ સિંહ અને અપર્ણા યાદવનો પણ સમાવેશ થઈ શકે છે. અપર્ણા યાદવ સમાજવાદી પક્ષના મેન્ટર મુલાયમસિંહ યાદવની પૂત્રવધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter