નવી દિલ્હીઃ સોમવારે દેશભરમાં ૬૦ વર્ષથી મોટી ઉંમરનાં સિનિયર સિટિઝન્સ તેમજ ૪૫ વર્ષથી વધુ વયનાં ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોનાની વેકિસન આપવાનાં બીજા તબક્કાની શરૂઆત થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વહેલી સવારે ૬.૩૦ કલાકે દિલ્હી ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)માં પહોંચી જઈને આમ આદમીની જેમ વેકિસન લીધી હતી. તેમણે ભારતમાં જ ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. ૨૮ દિવસ પછી તેમને બીજો ડોઝ આપવામાં આવશે.
વડા પ્રધાન મોદીએ કોવેક્સિન વેક્સિનનો ડોઝ લઈને આ વેક્સિન સુરક્ષિત અને સલામત છે તેવો સંદેશ લોકોને આપ્યો હતો. વેક્સિન લેતી વખતે ‘એઇમ્સ’નાં વડા ડો. ગુલેરિયા ત્યાં હાજર હતા. દિલ્હીમાં ટ્રાફિક અવરોધાય નહીં તે માટે મોદીએ વહેલી સવારે વેક્સિન લેવાનું આયોજન કર્યું હતું. સાંજે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે પણ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
પુડ્ડુચેરી અને કેરળનાં નર્સ, આસામનો ગમછો
વડા પ્રધાન મોદીએ ‘એઇમ્સ’માં વેક્સિન લીધી ત્યારે પુડ્ડુચેરીનાં નર્સ પી. નિવેદાએ તેમને વેક્સિન આપી હતી. આ વખતે કેરળનાં નર્સ સિસ્ટર રોસમ્મા અનિલ મોદીની બાજુમાં ઊભા હતા. મોદીએ તેમનાં ખભા પર આસામનો ગમછો વીંટાળ્યો હતો.
આ ત્રણેય રાજ્યોમાં ૨૭ માર્ચથી ૬ એપ્રિલ વચ્ચે ચૂંટણી યોજાવાની છે. તે સંદર્ભમાં મોદીની વેક્સિન વખતે પુડ્ડુચેરી અને કેરળનાં નર્સની હાજરી અને આસામનો ગમછો સૂચક હતા.
લગા ભી દી, પતા હી નહીં ચલા
મોદીએ વેક્સિન લીધા પછી વાતાવરણ હળવું કરવા નર્સ પી. નિવેદા અને રોસમ્મા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લગા ભી દી, પતા હી નહીં ચલા... ‘એઇમ્સ’નાં ડિરેકટર ડો. ગુલેરિયા તે વખતે ત્યાં હાજર હતા. મોદીએ નર્સને પૂછયું હતું કે, આપ કહાં કી રહનેવાલી હૈ? નર્સિંગ સ્ટાફને બધી સુવિધા બરાબર મળે છે કે કેમ તે પૂછયું હતું. સિસ્ટર પી. નિવેદાએ કહ્યું હતું કે તેમને વડા પ્રધાનનાં આગમનની જાણ સવારે જ કરાઈ હતી. તેમણે આ ક્ષણને ગૌરવશાળી ગણાવી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાન સાથેની રૂબરૂ મુલાકાત ઘણી મોટી વાત છે. કેરળનાં નર્સ રોસમ્માએ કહ્યું હતું કે અમારા માટે આ ગર્વની ક્ષણો હતી. સર પણ તણાવમમુક્ત હતા.
મોદી એલિટ ક્લબમાં જોડાયા
વેક્સિન લઈને ભારતના વડા પ્રધાન મોદી વિશ્વના નેતાઓની એલિટ ક્લબમાં જોડાયા હતા. અમેરિકાના પ્રમુખ જો બાઈડેન, ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂ, ઈન્ડોનેશિયાના વડા જોકો વિડોડો, પોપ ફ્રાન્સિસ, સાઉદી કિંગ સલમાન, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ક્વીન એલિઝાબેથ, પ્રિન્સ ફિલીપ, માલદિવ્ઝના પ્રમુખ જેવા મહાનુભાવોએ વેક્સિન લીધેલી છે.
સૌને વેક્સિન લગાવવા અપીલ
મોદીએ વેક્સિન લીધા પછી ફોટો શેર કરીને લોકોને વેક્સિન લેવા અપીલ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, કોરોના સામે વૈશ્વિક લડાઈને મજબૂત કરવા આપણા ડોકટર અને વૈજ્ઞાનિકોએ જે ઝડપે કામ કર્યું છે તે અસાધારણ છે. હું તમામ યોગ્યતા ધરાવનારાઓને વેક્સિન લેવા અપીલ કરું છું. આપણે સાથે મળીને દેશને કોરોનામુક્ત કરવાનો છે.
ભાજપના સાંસદો અને પ્રધાનો પૈસા ચૂકવીને રસી લેશે
ભાજપએ તેની પાર્ટીના સાંસદો અને પ્રધાનોને તેમના મત વિસ્તારોમાં જઈને પૈસા ચૂકવીને વેક્સિન લેવાનો આદેશ આપ્યો છે. આથી આમ આદમી વિનામૂલ્યે વેક્સિન લઈ શકે. તેમણે એક અઠવાડિયામાં વેક્સિન લઈ લેવાની રહેશે જેથી લોકોમાં વેક્સિન અંગે વિશ્વાસ જગાવી શકાય.
કયા કયા મહાનુભાવોએ વેક્સિન લીધી?
• ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ • ગૃહપ્રધાન અમિત શાહ • કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહ
• વિદેશ પ્રધાન એસ. જયશંકર • બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર • ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક • એનસીપી નેતા શરદ પવાર • બિહારના બંને ડેપ્યુટી મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ અને રેણુદેવી • રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર • ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વગેરે...
કોરોના સામેના જંગમાં ભારતની ભૂમિકાથી WHO ખુશ
વેક્સિન ડિપ્લોમસી હઠળ ભારત અત્યાર સુધીમાં ઘણા દેશોને કોરોના રસી પહોંચાડી ચૂક્યું છે. ખાસ વાત એ છે કે ભારતે મતભેદો ભૂલીને મુશ્કેલીના સમયમાં તમામ દેશોને મદદ કરી છે. ચીનના ઈશારે સરહદે વિવાદ કરનારા નેપાળને પણ રસી પહોંચાડવામાં આવી છે. ભારતની કામગીરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ખૂબ જ ખુશ છે. WHO મહાનિર્દેશક ટેડ્રોસ એડહોમએ આ માટે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી છે. તેમણે મોદીનો આભાર પણ માન્યો હતો. WHO પ્રમુખે આ મામલે ટ્વિટ કર્યું હતું જેમાં વડા પ્રધાન મોદીને ટેગ કરતા લખ્યું હતુંકે વેક્સિનને સપોર્ટ કરવા માટે વડા પ્રધાન મોદીનો આભાર. કોવેક્સ માટે પ્રતિબ્ધતા અને કોરોન રસીને ૬૦થી વધારે દેશોને પહોંચાડવાથી કોરોના સામેની લડાઈમાં મદદ મળી રહી છે.


