શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના મુખ્ય અખબાર ‘રાઈઝિંગ કાશ્મીર’ના એડિટર સુજાત બુખારીની હત્યા કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કાશ્મીર આઈજીપી એસપી પાળીએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું જણાવ્યું કે સુજાત બુખારીની હત્યાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હોવાનો પર્યાપ્ત પુરાવાઓ પોલીસ પાસે છે. લશ્કરના આતંકવાદીઓએ આ કાવતરાને અંજામ આપ્યો હતો. આઈજીપીએ ચાર હત્યારાઓની ઓળખ જાહેર કરતાં કહ્યું કે આ ચાર લશ્કરના આતંકીઓ છે. તેમણે કહ્યું કે ચાર આરોપીઓમાંથી માસ્ટરમાઈન્ડ સજ્જાદ ગુલ શ્રીનગરનો છે પરંતુ હાલમાં પાકિસ્તાનમાં છે. સજ્જાદ ગુલને નવી દિલ્હી અને શ્રીનગરમાંથી આતંકી ગતિવિધિઓમાં પકડવામાં આવ્યો હતો. ૨૦૧૭માં તે પાકિસ્તાન ભાગી ગયો હતો તેને માટે લુકઆઉટ નોટિસ પણ જારી થઈ હતી.