રાજકીય વર્ચસ જાળવવા મથામણ

Friday 26th November 2021 04:21 EST
 
 

કૃષિ કાયદા પાછો ખેંચવાનું મુખ્ય કારણ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં રાજકીય સમીકરણો છે. ભાજપને મોટા નુકસાનની ભીતિ હોવાથી સરકારે કાયદો પાછો ખેંચવાનું નક્કી કરી લીધું હતું. પંજાબથી શરૂ થયેલા આંદોલન પાછળ શીખ સંગઠનો મજબૂત રીતે પડખે હતા.
• રામમંદિર, ત્રણ તલાક જેવા મુદ્દા પાછળ રહી ગયા. ભાજપે ઉત્તર પ્રદેશની ચૂંટણીનો મૂડ પારખવા માટે ગ્રાસરૂટ સ્તરે ફીડબેક મેળવ્યો હતો. તેમાં ખબર પડી કે ખેડૂત આંદોલનની અસર પશ્ચિમ યુપીના જાટ વિસ્તાર સુધી મર્યાદિત નહોતી. તેના કારણે રામ મંદિર, ૩ તલાક, લવ જેહાદ જેવા કાયદાઓ કોરાણે હડસેલાઈ ગયા હતા.
• જાટ-ગુર્જર એક થયા, મુસ્લિમોનું સમર્થન. ૨૦૧૩ના મુઝ્ઝફરનગર રમખાણો બાદ મુસ્લિમ-જાટ અળગા થઈ ગયા હતા. કિસાન આંદોલને તેમને ભેગા કર્યા. ગુર્જર અને મુસ્લિમ પણ સાથે થઈ ગયા છે. આ જમાબંધીને તોડવા માટે ભાજપને કાયદો પાછો લેવો પડ્યો. કારણ કે ગત વિધાનસભા ચૂંટણીમાં જાટ-મુસ્લિમ સમીકરણ તૂટવાથી જ ભાજપ ક્લીન સ્વિપ કરી શક્યો હતો.
• પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હવે રાષ્ટ્રીય લોકદળ (રાલોદ)ને સાથે લાવવાના પ્રયાસ વેગવંતા બનશે. જયંત ચૌધરીનો રાલોદ આંદોલનના જોરે મજબૂત સ્થિતિમાં હતો. ભાજપ માટે હવે રાલોદને સાથે લાવવાનો માર્ગ મોકળો બન્યો છે. અમિત શાહ પોતે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રચારનું સુકાન સંભાળી રહ્યા છે. ૨૪ જિલ્લામાં આંદોલન ચાલે છે જ્યાં ૧૦૦ બેઠકો છે. ઉત્તર પ્રદેશમાં ૨૫૦ સીટ પર આંદોલનની ઘેરી અસર છે.
• પંજાબમાં કેપ્ટન-બાદલને સાથે લાવવાનો માર્ગ ખૂલ્યો. પંજાબમાં કેપ્ટન અમરિંદરનું કોંગ્રેસથી અલગ થવું એ ભાજપ માટે આશાનું કિરણ છે. આમ થયું તો ભાજપ - અકાલી દળ - કેપ્ટનની પાર્ટી મળીને ચૂંટણી લડશે. આમ કોંગ્રેસ - ‘આપ’નું ગણિત બગડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter