રાજન દેશભકત છે, તેમનું કામ સરાહનીય: મોદી

Wednesday 29th June 2016 07:57 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન પર બેફામ આક્ષેપો કર્યા હતા. જે બાદ નારાજ રાજને આરબીઆઇના ગવર્નરની બીજી ટર્મ સ્વીકારવાની ના પાડી દીધી હોવાના અહેવાલ હતા.
સ્વામીએ રઘુરામ રાજન પર જે પ્રહારો કર્યા હતા તેને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે તેમનું મૌન તોડયું છે અને આ પ્રકારના નિવેદનો અને આક્ષેપોને અયોગ્ય ઠેરવ્યા હતા. મોદીએ સાથે રઘુરામ રાજનના વખાણ કર્યા હતા અને સ્વામીના નિવેદનો અંગે ટકોર પણ કરી હતી કે જો કોઇ પોતાને સિસ્ટમથી ઉપર સમજતું હોય તો તે ખોટું છે.
મોદીએ સ્વામીનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, મારી પાર્ટી હોય કે કોઇ અન્ય પાર્ટી, પણ હું આ પ્રકારના નિવેદનો યોગ્ય નથી માનતો. આ પ્રકારની પબ્લિસિટીથી દેશનું ભલું નહીં થાય.
મોદીએ કહ્યું કે જે લોકો જવાબદારી ભર્યા પદ પર બેઠા છે તેમણે બહુ જ સમજદારીપૂર્વક કામ કરવું જોઇએ. સાથે તેઓએ રાજનના વખાણ કર્યા હતા અને તેમને એક દેશભક્ત ગણાવ્યા હતા. વડા પ્રધાને જણાવ્યું હતું કે રાજન ગવર્નર ન રહે તો પણ આ દેશના ભલા માટે કામ કરતા રહેશે. રાજન સાથેની કામગીરીનો મારો અત્યાર સુધીનો અનુભવ ઘણો જ સારો રહ્યો છે અને જે કામ રાજને કર્યું છે તે ખરેખર વખાણવાને લાયક છે. રાજન પણ દેશભક્ત છે અને તેમને પણ દેશ પ્રત્યે પ્રેમ છે. તેઓ જ્યાં પણ કામ કરશે, ભારત માટે કામ કરશે.
એવા પણ અહેવાલો છે કે કેન્દ્રિય નાણા પ્રધાન અરુણ જેટલીની માગણી બાદ ભાજપી સાંસદ સુબ્રમણ્યમને પાર્ટીએ ચૂપ રહેવાની સલાહ આપી છે. જેટલી વડા પ્રધાન મોદીને પણ મળ્યા હતા. જે દરમિયાન સ્વામી અંગે ચર્ચા થઇ હતી.
જેટલી પર સ્વામીએ આડકતરી રીતે પ્રહારો કર્યા હતા બાદ તેઓ સ્વામીથી નારાજ હતા. અગાઉ સ્વામી પણ ખુદને નાણા પ્રધાનના પદ માટે યોગ્ય ઠેરવી ચૂક્યા છે અને હવે તેઓએ નાણા મંત્રાલયને જ ટાર્ગેટ કરવાનું શરૂ કરી દેતા જેટલી નારાજ છે.
સ્વામીએ જણાવ્યું હતું કે નાણા પ્રધાન જેટલીના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અમેરિકામાં કામ કરતા હતા ત્યારે ભારતવિરોધી પ્રવૃત્તિ ચલાવી હતી. જ્યારે નાણા મંત્રાલયના અન્ય અધિકારી શક્તિકાંત પર પ્રહારો કર્યા હતા.
આ ઉપરાંત આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજનને પણ દેશને નુકસાન પહોંચાડનારા ગવર્નર ગણાવ્યા હતા. વિવાદ ત્યારે વધી ગયો હતો જ્યારે સ્વામીએ સલાહ આપી હતી કે લોકોએ સૂટ ને ટાઇ પહેરી વિદેશ ન જવું જોઇએ કેમ કે તેઓ ભારતના નેતા નહીં પણ વેઇટર જેવા લાગે છે. સ્વામીએ આ નિવેદન કર્યું ત્યારે જેટલી વિદેશ પ્રવાસે હતા. જેને પગલે જેટલી નારાજ હોવાનું મનાઇ રહ્યું છે.

રાજનના અનુગામી તરીકે ચારનો વિચાર

આરબીઆઈના ગવર્નર તરીકે રઘુરામ રાજનના કાર્યકાળ બાદ સરકાર દ્વારા ચાર સંભવિતોનાં નામ પસંદ કરાયા છે. એમાં ઊર્જિત પટેલ, રાકેશ મોહન, સુબીર ગોકર્ણ અને એસબીઆઈના વડા અરુંધતી રોયના નામ છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા જેનો વિરોધ કરાયો હતો તેવા ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમને આ યાદીમાંથી દૂર રાખવામાં આવ્યા છે.

ઊર્જિત પટેલઃ ૫૨ વર્ષના ઊર્જિત પટેલે યેલે અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. મોંઘવારીને કાબૂમાં રાખવામાં તેમની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. હાલમાં તેઓ RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કામ કરી રહ્યા છે.
અરુંધતી ભટ્ટાયાર્યઃ એસબીઆઈ બેંકના પહેલાં મહિલા વડા અરુંધતી ભટ્ટાચાર્ય આ રેસમાં આગળ છે. ૬૦ વર્ષીય ભટ્ટાચાર્યને પીએમઓ પસંદ કરે છે એનપીએની બાબતમાં તેમની કામગીરી અને વિચારસરણી ખૂબ જ કડક છે.
રાકેશ મોહનઃ રાકેશ મોહન અત્યાર સુધીમાં બે વખત આરબીઆઈના ડેપ્યુટી ગર્વનરનો ભાર સંભાળી ચૂક્યા છે. ૬૮ વર્ષના મોહન ડિપોર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ અફેર્સમાં સેક્રેટરી અને આઈએમએફમાં મહત્ત્વનાં પદે રહેલા છે.
સુબીર ગોકર્ણઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ૫૮ વર્ષના સુબીર ગોકર્ણ આરીબીઆઈના ડેપ્યુટી ગવર્નરપદે સેવા આપી ચૂક્યા છે. તેમની પાસે મોનિટરી પોલિસીની જ જવાબદારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter