નવી દિલ્હીઃ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એ ત્રણ એવા રાજ્યો છે કે જ્યાં ભાજપે મુખ્યપ્રધાન પદ માટેના ચહેરાની જાહેરાત કર્યા વગર જ મેદાનમાં ઊતારવાનું પસંદ કર્યું હતું. આ રાજ્યોમાં ભાજપ મોદીના નામ અને સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડ્યું હતું. હવે વિજય બાદ આ ત્રણ રાજ્યોમાં મુખ્યપ્રધાન કોણ બનશે તે સવાલ ઊભો થયો છે. ખાસ બાબત એ છે કે મધ્ય પ્રદેશમાં જ્યાં શિવરાજસિંહ ચૌહાણ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ, કૈલાશ વિજયવર્ગીય ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાના નામ મુખ્યપ્રધાન પદની રેસમાં છે જ્યારે રાજસ્થાનમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ફોઈ અને રાજસ્થાનમાં બે વાર મુખ્યપ્રધાન રહી ચૂકેલાં વસુંધરા રાજે પણ મુખ્યપ્રધાન પદની રેસમાં છે. આમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સિંધિયા પરિવારનું પલ્લું ભારે દેખાય છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સાંસદો પણ મેદાનમાં ઉતારાયા
મધ્ય પ્રદેશની વાત કરીએ તો ભાજપે આ ચૂંટણીમાં વર્તમાન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ઉપરાંત ત્રણ કેન્દ્રીય પ્રધાનો સહિત સાત સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને પણ ટિકિટ આપવામાં આવી હતી. કૈલાશ ઉપરાંત પાંચ સાંસદ વિજયી રહ્યા છે તેથી ચર્ચા છે કે મધ્ય પ્રદેશને આ વખતે નવા મુખ્યપ્રધાન મળી શકે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મજબૂત દાવેદાર છે. રાજસ્થાનમાં પણ અનેક સાંસદોને મેદાનમાં ઉતારાયા હતાં પણ મુખ્યપ્રધાનની રેસમાં વસુંધરા રાજે સૌથી આગળ છે. દિયા કુમારી, ઓમ બિરલા, ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્રસિંહ શેખાવત અને બાબા બાલકનાથના નામ ચાલી રહ્યા છે.
છત્તીસગઢમાં ત્રણ પ્રબળ દાવેદાર છતાં મહિલા મેદાન મારી શકે
છત્તીસગઢમાં 90માંથી 54 બેઠક હાંસલ કરીને ભાજપે બધાને ચોંકાવી દીધા છે. આ રાજ્યમાં આમ તો રમણસિંહ ઉપરાંત અરુણ સાવ અને ઓ.પી. ચૌધરીને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે પરંતુ એક અહેવાલ એવો છે કે આ વખતે મહિલા નેતા મુખ્યપ્રધાન પદ મેળવી શકે છે. તેથી જ રેણુકાસિંહને પણ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ગણવામાં આવે છે. રેણુકાસિંહ આદિવાસી સમાજમાંથી આવે છે.


