જયપુર: લોકકળાના દષ્ટિકોણથી જોઇએ તો રંગીલા પરંતુ વિશાળ રણપ્રદેશના કારણે પાણીના એક એક ટીપાં માટે વલખા મારતા રાજસ્થાન માટે આનંદના સમાચાર છે. અહીંના રણપ્રદેશમાં તેલ અને ગેસનો વિશાળ જથ્થો મળ્યા બાદ હવે પાણીનો પણ વિપુલ જથ્થો મળતા તંત્રમાં ખુશીનો માહોલ હતો. વૈજ્ઞાનિકો દ્વારા ચાલી રહેલા સંશોધન કાર્ય દરમિયાન પાકિસ્તાનની સરહદે આવેલા બાડમેર જિલ્લાના માંડપુરા બરવાળામાં નાનો સાગર કહી શકાય તેટલો વિશાળ જળસંગ્રહ મળ્યો છે, જેમાં ૪૮૦૦ બિલિયન લિટર પાણી હોવાનું મનાય છે. પાણીનો આ વિશાળ જથ્થો બાડમેરથી જાલોર સુધી ફેલાયેલો છે. અલબત્ત, આ પાણીમાં ખારાશ જરૂર છે, પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે ખાડી દેશોની જેમ આ પાણીને પણ પ્રોસેસ કરીને મીઠા જળમાં બદલી દેવાય તો તેનો પીવા માટે ઉપયોગ થઇ શકશે.
ભૂસ્તર વૈજ્ઞાનિકો માને છે કે આ જળસંગ્રહમાંથી દસ લાખની વસ્તી ધરાવતા વિસ્તારને વર્ષો સુધી પાણી પુરું પાડી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે કેઇર્ન એનર્જી છેલ્લા લાંબા સમયથી રાજસ્થાનના રણપ્રદેશમાં ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશનનું કામ કરી રહી છે. આ કામગીરી દરમિયાન જ તેમને પાણીનો જથ્થો મળ્યો હતો. રાજસ્થાનના મહેસુલ પ્રધાન હરીશ ચૌધરીને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે આ કામમાં મદદરૂપ થવું જોઇએ કે જેથી જરૂરિયાતવાળા લોકોને પાણી પૂરું પાડી શકાય.
પાણીનો આ જથ્થો પેટાળમાં ૩૦૦થી ૧૫૦૦ મીટર ઉંડે આવેલો છે, જેનો ફેલાવો બાયતુ, બાડમેર, ગુડામાલાનીથી લઇને છેક ઝાલોર જિલ્લાના સાંચોર અને કિર્દ સુધી ફેલાયેલો છે. ભૂસ્તર વૈજ્ઞાનિકો માને છે કે સામાન્ય રીતે પીવાના પાણીમાં લવણ (મીઠા )ની માત્રા પ્રતિ લિટર ૧૦૦૦ મિલિગ્રામ હોય છે. પરંતુ રણપ્રદેશમાં મળેલા આ જળજથ્થામાં લવણનું પ્રમાણ પ્રતિ લીટરે ૫૦૦૦થી ૨૦,૦૦૦ મિલિગ્રામ કરતાં પણ વધુ છે. આમ સામાન્ય પાણી કરતાં તેમાં ખારાશનું પ્રમાણ ઘણું વધુ છે. જોકે જળ સંસાધન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ખાડીના દેશોમાં આવા પાણીની લવણીયતા લિટર દીઠ ૩૫,૦૦૦ મિલિગ્રામ અથવા તો એનાથી પણ ઘણી વધારે હોય છે. યુનાઇટેડ આરબ અમિરાતમાં સોલર એનર્જી દ્વારા ડી-સેલિનેશન કરવામાં આવે છે.
રાજ્ય સરકાર અને ખાનગી કંપનીના અધિકારીઓનું કહેવું હતું કે પાણીનો જથ્થો અનુમાન કરતા ઘણો મોટો છે. લવણીયતા ઘટાડીને એનો ઉપયોગ કરવાથી રાજસ્થાનની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. નોંધનીય છે કે રાજ્યનું બાડમેર-સાંચોર બેઝિન ક્ષેત્ર ૩૧૧૧ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. ૨૦૦૪માં અહીં તેલનું સૌથી મોટું ઉત્ખનન શરૂ કરાયું હતું, જેમાં ૩૮ ઓઇલ વેલમાંથી તેલનું ઉત્પાદન શરૂ કરાયું હતું.