નવી દિલ્હીઃ રાજસ્થાનના બિકાનેરમાં સોમવારે સાંજે રેતીનું તોફાન આવ્યું હતું. બીજી તરફ સોમવારે દિલ્હી, એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં રાત્રે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાયું હતું. વાવાઝોડાએ કલાકો સુધી કેટલાક વિસ્તારોને ધમરોળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ બીજી મેએ પણ અચાનક કલાકના ૧૨૬ કિલોમીટરની ગતિથી ફુંકાયેલી ધૂળની ડમરીઓએ ખાસ તો ઉત્તર ભારત અને રાજસ્થાનને બાનમાં લેતાં આંધી અને તોફાનમાં ૧૫૦થી વધુના મૃત્યુ થયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘવાયાં હતા. બીજી મેની હોનારત પછી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનોએ મોતને ભેટેલા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા સુધીનું વળતર આપવાની જાહેરાત કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારના વળતરની જાહેરાત કરી હતી.
બીજી મેએ આવેલી આંધીની તીવ્રતા એટલી હતી કે સિમેન્ટ-કોંક્રિટની દીવાલો તૂટી પડી હતી અને ઘરમાં સૂતેલા લોકો ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાને કારણે ૭૦, રાજસ્થાનમાં ૩૧, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં બે-બે જણનાં મોત થયાં છે. અહેવાલ પ્રમાણે જાનમાલનું સૌથી વધુ નુકસાન તાજ મહેલ માટે વિખ્યાત આગ્રામાં નોંધાયું છે. આગ્રામાં ૪૫થી વધુ લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત રાજસ્થાનના ભરતપુરમાં સૌથી વધુ નુકસાન થયું છે. ભરતપુરમાં ૧૬ મોત નોંધાયા છે. ધોલપુરમાં ૯નાં મોત થયાં છે. અલવર, ઝુંઝનું અને બિકાનેરમાં પણ બે કલાક સુધી આંધી ચાલી હતી અને ભારે નુકસાન થયું હતું. અલવરમાં ચાર જણનાં મોત થયાંનું સ્થાનિક સત્તાવાળાઓએ કહ્યું હતું. જ્યારે સોમવારે આવેલા તોફાનમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે.
રવિવારે મોડી રાત્રે આવેલા વાવાઝોડામાં મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં તોફાની પવનને કારણે બે જુદી જુદી ઘટનામાં દીવાલ તૂટી પડવાથી અને મકાન પડવાથી એક મહિલા અને એક બાળકનું મોત થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશમાં મૈનપુરી, મથુરા અને ફિરોઝાબાદમાં ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. મૈનપુરીમાં વૃક્ષ પડવાથી ૧૧ વર્ષની એક કિશોરીનું મોત થયું હતું.
રાજસ્થાન ઉત્તર ભારત પર સંકટ
સોમવારે પાકિસ્તાન બાજુથી બિકાનેર તરફ તોફાની ધૂળની આંધી ફૂંકાવાની શરૂઆત થઈ હતી જ્યારે સરહદી વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો. ૬ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ માટે એલર્ટ અપાયા હતાં. સતત વાવાઝોડાંની સ્થિતિમાં ઉત્તર પ્રદેશમાં કેટલાય ઘર વીજળીવિહોણાં બની ગયાં છે. એક જ અઠવાડિયામાં બે વખત આવેલી આ કુદરતી આપત્તિ પછી હવામાન ખાતાએ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક, કેરળમાં તોફાની પવન સાથે આંધી અને ભારે વરસાદ પડવાની આગાહી સાતમી મેએ કરી હતી. સોમવારે વાવાઝોડાએ રાજધાની દિલ્હીને પણ ઝપટમાં લીધી હતી. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઊડતાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા અટકી
ઉત્તરાખંડમાં ભારે વરસાદની સ્થિતિના કારણે ચારધામની યાત્રા પણ અટકાવી દેવાની ફરજ પડી છે. બદરીનાથ હાઈવે પર વરસાદ અને કાટમાળની વચ્ચે અનેક વાહનો બીજી મેએ પણ ફસાઈ ગયા હતા. જોકે યાત્રા ફરી ચાલુ થવા અંગે કોઈ સત્તાવાર નિર્દેશ નથી. સોમવારે હિમાચલ પ્રદેશમાં ભારે પ્રમાણમાં હિમવર્ષા થઈ હતી, જેને પગલે લેહ-લદ્દાખ માર્ગ સહિત અન્ય રસ્તાઓ જામ થઈ
ગયા હતા.