જયપુરઃ રાજસ્થાન પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા કાશ્મીર સહિત દેશના અનેક શહેરોમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવા રાજસ્થાનની એક મઝારની મદદ લીધી હતી. આ મઝારમાં ભેગું થતું નાણું દેશમાં સક્રિય આતંકવાદી સંગઠનોને મળતું હતું. રાજસ્થાનના ડીઆઈજી (સિક્યોરિટી) રાઘવેન્દ્ર સુહાસે જણાવ્યું હતું કે, બારમેરના ચોહાતનમાં એક નાનકડી મજાર આવેલી છે. આ મજારનું સંચાલન આઈએસઆઈના જાસૂસ દીના ખાન દ્વારા થતું હતું. ગયા અઠવાડિયે જેસલમેરમાંથી રાજસ્થાન પોલીસે દીના ખાનની ધરપકડ કરીને પૂછપરછ કરી ત્યારે આ ઘટસ્ફોટ થયો હતો. પાકિસ્તાને હાલમાં જ ખાનને રૂ. ત્રણ લાખનું દાન આપ્યું હતું. આ રકમ ખાને સતરામ મહેશ્વરી અને વિનોદ મહેશ્વરી નામના બે પાકિસ્તાની જાસૂસને પહોંચાડી હતી.