રાજસ્થાનમાં અલભ્ય ધાતુનો ૮૦ લાખ ટન જેટલો ભંડાર મળ્યો

Friday 29th April 2016 06:11 EDT
 
 

જેસલમેર: અત્યંત દુર્લભ એવી રેર અર્થ મિનરલ તરીકે ઓળખાતી ધાતુઓનો મોટો ભંડાર રાજસ્થાનના રણમાં હોવાની શક્યતા છે. રેર અર્થ એલિમેન્ટ તરીકે ઓળખાતી આ ધાતુઓ હકીકતે ૧૭ ધાતુઓનો સમૂહ છે. પરમાણુ, અવકાશ સંશોધન, પવન-ઊર્જા, કેમિકલ્સ ડિફેન્સ, ઈલેક્ટ્રોનિક સહિતના ક્ષેત્રોમાં આ ધાતુઓ લગભગ અનિવાર્ય છે. માટે આખા વિશ્વમાં તેનું અનેરું મહત્ત્વ છે.

ભુસ્તરશાસ્ત્રીઓના પ્રાથમિક અંદાજ પ્રમાણે રાજસ્થાનના રણ વિસ્તારમાં આ ધાતુનો ૮૦ લાખ ટન જેટલો ભંડાર છે. આ જથ્થો ખૂબ મોટો છે અને ભારતને બહુ મોટો આર્થિક લાભ પણ તેનાથી થશે. આ વિસ્તારના ખડકોના અભ્યાસ પછી ભુસ્તરશાસ્ત્રીઓને તત્ત્વોની હાજરીનો પત્તો લાગ્યો હતો. જેએનયુમાં જિઓલોજીના પૂર્વ પ્રોફેસર એસ. સી. માથુરે ધાતુતત્ત્વોની હાજરી અંગે સાયન્સ જર્નલ કરન્ટ સાયન્સમાં અભ્યાસ લેખ લખ્યો હતો. નામ પ્રમાણે જ રેર અર્થ એલિમેન્ટ પૃથ્વીના પેટાળમાં દુર્લભ ગણાતી ધાતુઓ છે.

ઉપયોગ શું છે?

આ ધાતુઓનો ઉપયોગ અવકાશયાનો, માઈક્રોવેવ, સ્પાર્ક પ્લગ, કેમેરા-મોબાઈલ લેન્સ, લેસર, પરમાણુ બેટરીઓ, એક્સ-રે ટયૂબ, કમ્પ્યુટર મેમરી, એક્સ-રે મશીન, ન્યુક્લિયર મેડિસિન, ઓપ્ટિકલ ફાયબર, ટીવી સ્ક્રીન, કાર બેટરી, સ્માર્ટફોન વગેરે જેવી ચીજોના ઉત્પાદનમાં થાય છે. વળી દુનિયાના કોઈ દેશોને ઉપરોક્ત ચીજો વગર ચાલે એમ નથી. આ બધી ચીજો આમેય આજકાલ માર્કેટમાં મોટાપાયે હાજરી ધરાવે છે. તેથી આ ધાતુના કારણે ભારતને આર્થિક લાભ થઈ શકે તેવી શક્યતાઓ છે. સામે પક્ષે રેર અર્થ તત્ત્વોનું ઉત્પાદ કરનારા દુનિયામાં ભારત, બ્રાઝિલ, ચીન અને દક્ષિણ આફ્રિકા એમ ગણીને ચાર દેશો છે. એમાંથી ૯૦ ટકાથી વધારે ઉત્પાદન એકલું ચીન કરે છે. પરિણામે ચીને રેર અર્થ તત્ત્વોના માર્કેટ પર મોનોપોલી જાળવી રાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter