સિરોહીઃ રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડામાં ટેન્ડર આપવામાં ભ્રષ્ટાચાર થયો હતો. એ મુદ્દે એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ને ફરિયાદ મળતા બ્યુરોએ કાર્યવાહી કરી હતી. એસીબીની તપાસનો રેલો પહોંચ્યો તલાટીના નિવાસસ્થાને. એસીબીના અધિકારીઓએ તલાટીના ઘરે રેડ પાડી તો તેણે ભ્રષ્ટાચારથી ઘરમાં સંઘરેલાં ૨૦ લાખ રૂપિયા બાળવાનું શરૂ કરી દીધું હતું. જોકે આમ છતાં તે એસીબીની પક્કડમાંથી બચી શક્યો ન હતો.
સિરોહી જિલ્લાની આ ઘટના પ્રમાણે એસીબીએ તલાટી વતી ભ્રષ્ટાચારની રકમ લેવા પહોંચેલા રેવેન્યુ ઈન્સ્પેક્ટરને ઝડપી લેવા માટે છટકું ગોઠવ્યું હતું. પિંડવાડાના રેવેન્યુ ઈન્સ્પેક્ટર એક લાખ રૂપિયા લીધા તે સાથે જ એસીબીની ટીમે તેની ધરપકડ કરી હતી. એ પછી રેવેન્યુ ઈન્સ્પેક્ટર તલાટીનું નામ આપ્યું હતું. આથી અધિકારીઓની ટીમ તલાટીના ઘરે જવા રવાના થઇ હતી.
તલાટી કલ્પેશકુમારને એસીબીની ટીમ આવી રહ્યાની જાણ થતાં જ તેણે ઘરમાં રહેલાં ૨૦ લાખ રૂપિયા ગેસ પર મૂકી દીધા હતા. ૫૦૦ રૂપિયાની નોટોની થપ્પીઓ એક પછી એક બળવા લાગી હતી, પરંતુ બધી જ નોટો બળી જાય તે પહેલાં જ એસીબીની ટીમ તલાટીના ઘરે આવી પહોંચી હતી. તલાટીએ ઘર ખોલ્યું ન હતું. એસીબીની ટીમ બહાર ઉભી હતી ત્યારે પણ તેણે નોટોનો નાશ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ સમયે દરવાજાની એક તિરાડમાંથી એસીબીએ તેનો વીડિયો બનાવ્યો હતો. જેમાં એક મહિલા પણ તેને નોટો બાળવામાં મદદ કરતી જણાય છે. એ વીડિયો ભારે વાયરલ થયો હતો.
બીજી તરફ સ્થાનિક પોલીસની મદદથી આખરે એસીબીની ટીમ દરવાજો તોડીને ઘરમાં ઘૂસી ગઈ હતી. એસીબીએ તલાટીને પુરાવા નાશ કરતાં રંગે હાથે ઝડપી લીધો હતો. બળેલી નોટો કબજે કરી હતી. એ સિવાયના ન બળેલાં દોઢ લાખ રૂપિયા પણ એસીબીએ કબજે કર્યા હતા અને પુરાવા સાથે ભ્રષ્ટાચારના આરોપમાં તેની ધરપકડ કરી હતી.


