જયપુરઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ૧૯મીએ રાજ્યમાં તમામ દુકાનો પર રાત્રે આઠ પછી દારૂનું વેચાણ બંધ કરવાના કડક આદેશ આપ્યા હતા. ગેહલોતે એક્સાઇઝ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો હતો કે જે રાત્રે આઠ પછી દારૂ વેચતાં ઝડપાય તેમને દંડ કરાશે. રાત્રે આઠ વાગ્યા પછી દારૂ વેચનારી દુકાનોને સીલ કરાશે અને તેમના લાઇસન્સ પણ રદ કરાશે.
મુખ્ય પ્રધાનની ઓફિસમાં એક્સાઇઝ ખાતાના સિનિયર અધિકારીઓની બેઠકને સંબોધતાં મુખ્ય પ્રધાન ગેહલોતે જણાવ્યું હતું કે ૨૦૦૮માં અમારી સરકારે રાજ્યમાં રાત્રે આઠ બાદ દારૂના વેચાણ પર પાબંદી મૂકવાનો આવો જ નીતિ વિષયક નિર્ણય લીધો હતો. જેને કારણે સમાજને એક હકારાત્મક સંદેશ મળ્યો હતો.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ઘણાં દુકાનદારો દારૂની બોટલ પર લખવામાં આવેલી મહત્તમ કિંમત કરતાં પણ વધારે રકમ વસૂલ કરે છે. મુખ્ય પ્રધાન ગેહલોતે આવા દુકાનદારો સામે પણ કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો. તેમણે અધિકારીઓને રાજ્યમાં લવાતા ગેરકાયદે દારૂને અટકાવવા માટે પણ કડક પગલાં ભરવા માટે એક્સાઇઝ અધિકારીઓને આદેશ આપ્યા હતા.

