જયપુરઃ રાજસ્થાનમાં શિક્ષકો માટેની બિનઅનામત ૧૧૬૭ જગ્યા પર એસટી ઉમેદવારોની નિયુક્તિની માગ સાથે આંદોલન શરૂ થયું છે. ૨૦૧૮માં ૫૪૩૧ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તેમાં ૨૭૨૧ જગ્યા બિનઅનામત હતી જેમાંથી ફક્ત ૧૧૫૪ જગ્યા જ ભરાતાં ૧૧૬૭ નોકરી ખાલી રહી હતી. આદિવાસી સમુદાયના ઉમેદવારોની માગ છે કે ખાલી જગ્યાએ આદિવાસી ઉમેદવારોને નિયુક્તિ મળે. શિક્ષકોની ભરતીના આ આંદોલનના પગલે ડુંગરપુર અને ખેરવાડામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. રવિવારે તોફાનીઓના એક ટોળાએ હાઇવે પર એક પિકઅપ વાન અને એક મકાનને આગ ચાંપી હતી. શનિવારે સાંજે ડુંગરપુરમાં હિંસક દેખાવો દરમિયાન પોલીસે કરેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થતાં તણાવ વધી ગયો હતો. ખેરવાડામાં પણ બે વ્યક્તિનાં ફાયરિંગમાં મોત થયાંના અહેવાલો હતા, પરંતુ તેને સત્તાવાર સમર્થન અપાયું નહોતું. સતત ચોથા દિવસે રવિવારે ખેરવાડામાં દેખાવકારોએ પર્વતો પર કબજો જમાવી રાખ્યો હતો. રવિવારે આંદોલનકારીઓએ ઉદેપુર-અમદાવાદ હાઇવેને ચાલુ થવા દીધો નહોતો. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આંદોલનકારીઓને હિંસા છોડવા અપીલ કરી છે.