ચેન્નઈઃ દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં દોષિત નલિની શ્રીહરન હાલમાં એક મહિના માટે પેરોલ પર જેલ બહાર આવી છે. નલિનીએ પોતાની દીકરીના લગ્ન માટે પેરોલ માગ્યા હતા અને પાંચ જુલાઈના રોજ મદ્રાસ હાઈ કોર્ટે તેની અરજી સ્વીકારી હતી. જોકે સાથે જ કોર્ટે જેલ બહાર નલિની ફક્ત વેલ્લોરમાં જ રહેશે અને મીડિયા કે કોઈ નેતાનો સંપર્ક નહીં કરે તેવી શરત રાખી હતી.
મહિલા પોલીસથી ઘેરાયેલી નલિની જેલ બહાર આવી ત્યારે તેની માતા તેને લેવા માટે આવી હતી. વર્ષ ૨૦૧૮માં નલિનીને ચેન્નાઈમાં પિતાના નિધન વખતે અંતિમ દર્શન માટે એક દિવસના પેરોલ અપાયા હતા. પેરોલ અરજીમાં નલિનીએ લખ્યું હતું કે તમામ ગુનેગારો બે વર્ષની જેલની સજા બાદ એક મહિનાની સાધારણ રજા મેળવવાના હક્કદાર હોય છે પરંતુ તેણે છેલ્લા ૨૭ વર્ષમાં એક પણ વખત રજા નથી લીધેલી. નલિનીની દીકરી લંડનમાં રહે છે અને તેના લગ્ન માટે તેને પેરોલ આપવામાં આવ્યા છે.