રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં ધીમો સુધારો

Wednesday 24th August 2022 13:24 EDT
 
 

નવી દિલ્હીઃ પાટનગરની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઇમ્સ’)માં જીવન સામે ઝઝૂમતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તબીબી નિષ્ણાતોના મતે શરીરની મૂવમેન્ટ પહેલાં કરતા સારી છે. જોકે, બ્રેઇન હજી પણ જોઇએ તેટલું રિસ્પોન્ડ કરતું નથી. ડોક્ટર્સે ઓક્સિજન સપ્લાય 10 ટકા સુધી ઓછો કર્યો છે. બ્લડ પ્રેશર નોર્મલ છે. લિક્વિડ ડાયટમાં દૂધ અને જ્યૂસ ફૂડ પાઇપથી આપવામાં આવે છે.
રાજુની સારવાર ડોક્ટર એમ.વી. પદ્મા શ્રીવાસ્તવ કરે છે. તે ‘એઇમ્સ’માં ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે. 10 ઓગસ્ટના રોજ ટ્રેડમિલ પર એક્સરસાઇઝ કરતી વેળા રાજુ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારથી તે હોસ્પિટલમાં એડમિટ છે.
યુવાનનું આ તે કેવું પાગલપન?!
સૂત્રોના મતે, ‘એઇમ્સ’ના સેકન્ડ ફ્લોર પર આઇસીયુમાં રાજુ દાખલ છે. ત્રણ દિવસ પહેલાં એક અજાણ્યો યુવક આઇસીયુની અંદર પ્રવેશીને રાજુની સાથે સેલ્ફી લેવા લાગ્યો હતો. હાજર સ્ટાફે તેની પૂછપરછ કરી હતી અને ત્યાં સુધીમાં પરિવારના સભ્યો પણ આવી ગયા હતા. તેમણે સિક્યોરિટીમાં આ અંગે ફરિયાદ પણ કરી હતી. આ ઘટના બાદથી આઇસીયુની બહાર ગાર્ડ્સ મૂકી દેવામાં આવ્યા છે. પરવાનગી વગર કોઈને પણ આઇસીયુમાં એન્ટ્રી આપવામાં આવતી નથી.
હોસ્પિટલના જે ICUમાં રાજુની સારવાર થઈ રહી છે, ત્યાં અંદાજે 10 બેડ છે અને તમામ બેડ પર પેશન્ટ છે. રાજુ માટે ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સની ટીમ બેસ્ટ કામ કરી રહી છે. રાજુની તબિયતનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે.
મુખ્યમંત્રી યોગીએ અધિકારી દોડાવ્યા
રાજુની તબિયત જાણવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (ઓએસડી) દિનેશ સહગલને દિલ્હી મોકલ્યા હતા. તેમણે મુખ્યમંત્રીને રાજુના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી હતી.
કપિલ શર્માએ ફોન કર્યો
રાજુના પ્રવક્તાએ કહ્યું હતું કે રાજના સ્વાસ્થ્ય માટે આખા દેશમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. ડોક્ટર્સ પણ પોતાનું બેસ્ટ આપી રહ્યા છે. કોમેડિયન કપિલ શર્માએ રાજુની તબિયત પૂછવા માટે ફોન કર્યો હતો. કૈલાશ ખેર, સુનીલ પાલ, શેખર સુમન, જ્હોની લીવર રોજ હેલ્થ અપડેટ લે છે. સિંગર સોનુ નિગમ પણ ‘એઇમ્સ’ પહોંચવાનો હોવાના અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter