નવી દિલ્હીઃ ઇન્ડિયન નેશનલ લોકદળ (આઇએનએલડી)નાં રાજ્યસભાનાં એક માત્ર સાંસદ રામકુમાર કશ્યપ હવે ભાજપમાં જોડાઈ ગયા છે જેનાથી પાર્ટીને વધુ આંચકો લાગ્યો છે. કશ્યપ ૨૬મીએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા હતા. રામકુમાર કશ્યપ રાજ્યસભામાં આઇએનએલડીનાં એક માત્ર સાંસદ હતા. કશ્યપના આગમન પછી રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ ૭૬નું થયું છે. કશ્યપ ઉપરાંત કેરળના કન્નૌરથી પૂર્વ સાંસદ એપી અબ્દુલ્લાકુટ્ટી કે જેઓ અગાઉ સીપીઆઇ અને કોંગ્રેસમાં હતા, તેઓ પણ ૨૬મીએ ભાજપમાં જોડાયા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ૨૦૦૯માં તેમની પ્રશંસા કરી હતી ત્યાર પછી સીપીઆઇ(એમ) દ્વારા તેમની પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ હતી.