રાજ્યસભામાં ભાજપનો દબદબોઃ 16માંથી 8 બેઠક જીતી

Thursday 16th June 2022 06:46 EDT
 
 

નવી દિલ્હીઃ રાજ્યસભામાં 15 રાજ્યોની 57 બેઠક ખાલી પડી હતી જેમાંથી 16 બેઠકો માટે 10 જૂને મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે 41 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઇ છે. ચાર રાજ્યો રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકની 16 બેઠકો પર દિગ્ગજ નેતાએ જીત મેળવી છે.
મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસને ફટકો લાગ્યો છે. વિપક્ષ ભાજપે છમાંથી ત્રણ બેઠક જીતી લીધી છે. ભાજપના વિજેતાઓમાં પિયુષ ગોયલ, પૂર્વ મંત્રી અનીલ બોન્ડે, ધનંજય મહાદીક સામેલ છે. તો શિવસેનાના સંજય રાઉત, એનસીપીના પ્રફુલ પટેલ, કોંગ્રેસના ઇમરાન પ્રતાપગઢી જીત્યા છે. હરિયાણામાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. હરિયાણામાં ભાજપના કિશન લાલ પવાર, ભાજપ સમર્થક અપક્ષ કાર્તિકેય શર્મા જીતી ગયા હતા. તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અજય માકન હારી ગયા છે. કોંગ્રેસના એક ધારાસભ્યે ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા.
કર્ણાટકમાં ભાજપના નાણાપ્રધાન નિર્મલા સિતારામન્, એક્ટર-રાજનેતા જગ્ગેશ, લેહરસિંહ જીત્યા છે. રાજસ્થાનમાં ભાજપને એક તો કોંગ્રેસને ત્રણ બેઠક મળી. રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રમોદ તિવારી, રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક જીતી ગયા છે. જ્યારે ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા હારી ગયા હતા.
ચૂંટણી પરિણામો પર એક નજર
• મહારાષ્ટ્ર: કુલ 6 બેઠકો પર ચૂંટણી. ભાજપના ત્રણેય ઉમેદવાર જીત્યા. શિવસેનાના બેમાંથી 1, કોંગ્રેસના 1, એનસીપીના ફાળે 1 બેઠક આવી. શિવસેનાના ઉમેદવાર સંજય પવાર હાર્યા.
• રાજસ્થાન: કુલ 4 બેઠકો પર ચૂંટણી, જેમાં કોંગ્રેસને 3, ભાજપને 1 બેઠક મળી હતી, ભાજપ અને આરએલપી સમર્થક એક અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા હાર્યા હતા.
• કર્ણાટકઃ કુલ 4 બેઠકો પર ચૂંટણી યોજાઇ, જેમાં ભાજપને 3, કોંગ્રેસને 1 બેઠક મળી. જેડીએસ અને કોંગ્રેસના એક - એક ઉમેદવાર હાર્યા હતા.
• હરિયાણા: કુલ 2 બેઠકો પર ચૂંટણી, જેમાં ભાજપને એક અને ભાજપ સમર્થક અપક્ષને એક બેઠક મળી. કોંગ્રેસના અજય માકન હાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter