રાજ્યો અને રાજકારણીઓને ચૂંટણી લડવામાં જ રસ, અહીં લોકો મરી રહ્યાં છે: સુપ્રીમ

Wednesday 06th November 2019 07:04 EST
 
 

નવી દિલ્હીઃ દિલ્હી અને એનસીઆરમાં લોકોને ગૂંગળાવી નાખનાર વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે સોમવારે લાલ આંખ કરતાં દિલ્હી, પંજાબ, હરિયાણા તેમજ ઉત્તરપ્રદેશ સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ એમ ૩ રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને સમન્સ બજાવ્યાં હતાં અને વાયુ પ્રદૂષણ રોકવા શું પગલાં લીધા તે અંગે જવાબ આપવા છઠ્ઠીએ કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હતું. કોર્ટે કહ્યું કે, ઓડ-ઈવનથી કેટલું પ્રદૂષણ ઘટયું તેના આંકડા આઠમી નવેમ્બર સુધીમાં કોર્ટમાં રજૂ કરો.
જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે, કાર અને વાહનો દ્વારા ઓછું પ્રદૂષણ સર્જાતું હોય છે? કોર્ટે કહ્યું કે ખેડૂતો તેમનાં જીવનનિર્વાહ માટે બીજા કોઈનું જીવન ગૂંગળાવી શકે નહીં કે તેમનું જીવન છીનવી શકે નહીં. રાજ્યો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે અહીં લોકો ગૂંગળાઈને મરી રહ્યા છે. આવું ક્યાં સુધી ચલાવી લેવાય. રાજકારણીઓ અને રાજ્યોને ચૂંટણી લડવામાં જ રસ છે, લોકોનાં જાનમાલની જરાપણ પરવા નથી.

દિલ્હી ગૂંગળાય છે

કોર્ટે કહ્યું હતું કે, વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી દર વર્ષે ગૂંગળાય છે અને આપણે સૌ તેનો ઉકેલ લાવ્યા વિના હાથ જોડીને બેસી રહીએ છીએ. દિલ્હીમાં પ્રદૂષણની અતિગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને કોર્ટે કહ્યું કે જો શહેરની સમસ્યાને ઉકેલવામાં આવશે નહીં તો શહેરના લોકો માટે જીવવાનું મુશ્કેલ બનશે. ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે ૧૦ વાગ્યે એક્યુઆઈ આ સીઝનમાં પહેલી વખત ૬૨૫ સુધી પહોંચી ગયું. પરિણામે દિલ્હીમાં ધુમ્મસ જેવું વાતાવરણ રહ્યું. આથી દિલ્હી એરપોર્ટ પર આવતી ૩૭ જેટલી ફ્લાઈટ્સ અન્ય એરપોર્ટ પર ડાઈવર્ટ કરાઈ હતી. પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુખ્ય પ્રધાનના અગ્રસચિવ અને કેબિનેટ સચિવે ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી હતી. કેજરીવાલે પડોશી રાજ્યોને પ્રદૂષણના મુદ્દે નક્કર ઉકેલ માટે હાકલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter